ભુજના ભુજોડી ગામે ૬૫ વર્ષીય વૃધ્ધે બે બાળકીઓ સાથે વિકૃત હરકત કરતા ફિટકાર
(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૬ : ભુજના ભુજોડી ગામે ૬૫ વર્ષીય વૃદ્ઘે પોતાની પૌત્રીઓ સમાન બે નાની બાળકીઓ સાથે વિકૃત હરકત કરતાં તેના ઉપર ફિટકાર વરસી રહ્યો છે. ગઈકાલે સાંજે આ બનાવ બન્યો હતો. ભોગ બનનાર બાળકીની માતાએ પોલીસને જણાવ્યું કે, તેમની દીકરી પડોશીની દીકરીના ઘેર રમવા ગઈ હતી. બેઉ બાળકી ઘરની અગાસી પર રમતી હતી ત્યારે આરોપી તેના ઘરની છત પર પાણીના ટાંકા પાસે આવ્યો હતો.
આરોપીએ બેઉ દીકરીને ચલણી નોટ બતાડી પોતાની પાસે આવવા લલચાવી હતી. ત્યારબાદ પેન્ટની ઝીપ ખોલી તેનું ગુપ્તાંગ કાઢી બાળકીઓને બતાડવા માંડ્યો હતો. તેનું આ કરતૂત પડોશણ જોઈ ગઈ હતી. બનાવ અંગે રાત્રે વૃધ્ધના પરિવારજનોને જાણ કરાતાં તેમણે વાતને નકારી કાઢી હતી.
અંતે બનાવ અંગે બાળકીની માતાએ આજે ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ભુજોડીના રામદેવનગરમાં રહેતાં રૂપાભાઈ પુંજાભાઈ સીજુ નામના વૃધ્ધ આરોપીની ધરપકડ કરી લીધી છે.