સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th July 2021

સમાજને નિષ્ઠાવાન યુવાનો મળે તેવી નવી શિક્ષણનિતીઃ ભુપેન્દ્રસિંહ ચુડાસમા

વિદ્યાર્થી આર્થિક-કૌટુંબીક કારણોસર એક વર્ષ પૂર્ણ કરીને અભ્યાસ છોડી દે તેને પણ સર્ટીફીકેટ આપવાની વાત કહેવાઇઃ નરેન્દ્રભાઇ મોદી અને વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શનમાં શિક્ષણ ક્ષેત્રે અનેક સુવિધા અપાશેઃ શિક્ષણ મંત્રીની જુનાગઢમાં 'અકિલા' સાથે વાતચીત : કોઇપણ નિતી સાથે કોંગ્રેસ-ભાજપનું નામ જોડાતુ તેના બદલે નરેન્દ્રભાઇ મોદીએ ભારતની શિક્ષણનિતી બને તેવા ઉદગારો આપેલઃ બાળકોનો સર્વાંગી વિકાસ થાય સમાજને એક પ્રમાણિક નિષ્ઠાવાન યુવાન મળે તેને ધ્યાનમાં રાખી આ નિતી તૈયાર થઇ રહી છેઃ ૭ ખાનગી યુનિવર્સિટીને સેન્ટર ઓફ એકસલન્સ આપવાની સૈધ્ધાતિક મંજૂરી આપવામાં આવી છેઃ આંતરરાષ્ટ્રીય ર૦૦ અને હિન્દુસ્તાનની ૧૦૦ યુનિવર્સિટીમાં ગુજરાતનું સ્થાનઃ સમગ્ર શિક્ષણમાં વર્લ્ડ કલાસ ગુણવતા યુકત શિક્ષણ આપવાનો પ્રયાસ સફળતા મળી છેઃ ધો. ૩ થી ૧ર માં લોકડાઉનમાં પણ શિક્ષણ ચાલુ રખાયું.

જુનાગઢ : તસ્વીરમાં અકિલાના પત્રકાર વિનુ જોષીને નવી શિક્ષણનિતી અંગે વિગતો આપતા ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે જીલ્લા શિક્ષણાધીકારી આર. એસ. ઉપાધ્યાય નજરે પડે છે. (તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૬ :.. રાજયના શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જુનાગઢ સર્કિટ હાઉસ ખાતે અકિલાને આપેલ મુલાકાતમાં નવી શિક્ષણનિતી અંગે માહિતી આપેલ હતી.

શ્રી ચુડાસમાએ જણાવ્યું હતું કે આઝાદી પછી પહેલી શિક્ષણનિતી ૧૯પ૮ માં અમલમાં આવેલ ત્યારબાદ ૧૯૬૮ અને ૧૯૮૬ માં અને હવે ર૦ર૦ થી નવી શિક્ષણનિતી તૈયાર કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આખા દેશમાં લાખો લોકોના સુચન મંગાવ્યા જે પહેલીવાર બન્યુ ભુતકાળમાં નિતીઓ ઘડતી વખતે આ પ્રકારની પ્રક્રિયા થઇ નહોતી. પહેલી મીટીંગમાં રાજયના શિક્ષણ મંત્રી તરીકે હુ દિલ્હી ગયેલ ત્યારે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કહેલ કે કોઇપણ નિતી સાથે જે તે સરકારનું નામ જોડાતુ હોય છે તે ખેતી વિષયક હોય કે ઉદ્યોગ વિષયક હોય તેની ઓળખ કોંગ્રેસ-ભાજપ સાથે જોડાતુ એ માટે વડાપ્રધાનશ્રી મોદીએ આ નિતીની ઓળખ ભાજપની નહી ભારતની શિક્ષણનિતી બનેના ઉદગારો આપેલ.

શ્રી ચુડાસમાએ વધુમાં જણાવેલ કે શ્રી મોદીના ઉદગારોને ધ્યાનમાં રાખી બાળકોનો સર્વાગી વિકાસ થાય સમાજને એક પ્રમાણીક નિષ્ઠાવાન યુવાન મળે એને ધ્યાનમાં રાખી પ્રાથમિકથી માંડી કોલેજ યુનિવર્સિટી સુધી અભ્યાસક્રમનું આયોજન આ નિતીમાં કરવામાં આવ્યુ છે. માત્ર અભ્યાસક્રમ જ નહી પરંતુ જીવનમાં ઉપયોગી થાય એ પ્રકારનું શિક્ષણનું આયોજન છે.

તેઓએ વધુમાં ઉમેર્યુ હતું કે ઉચ્ચ શિક્ષણમાં અત્યાર સુધી ગ્રેજયુએટ થાય પછી ડીગ્રી મળે પરંતુ નવી શિક્ષણનિતીમાં વિદ્યાર્થી આર્થિક કુટુમ્બીક કારણોસર ૧ વર્ષ પુર્ણ કરી અભ્યાસ છોડી દે તેને સર્ટીફીકેટ આપવાની નવી વાત કહેવામાં આવી છે. બીજા વર્ષે પ્રમાણ પત્ર, ત્રીજા વર્ષે ડીગ્રી આ ઉપરાંત આર્ટસનો વિદ્યાર્થી કોમર્સના વિષયની પસંદગી કરી શકે આવી વિશેષ સુવિધા આ નિતીમાં છે. શૈક્ષણીક સંસ્થાને સ્વાયતતા આપી તેના પર ભાર મુકવામાં આવે છે.

જેને ધ્યાનમાં રાખી રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇરૂપાણીએ ૭ ખાનગી યુનિવર્સિટીને સેન્ટર ઓફ એકસલન્સ આપવાની સૈધ્ધાતિક મંજુરી આપી છે. પરિણામે જે આજે વિશ્વની ૨૦૦ યુનિવર્સિટી હિન્દુસ્તાનની એક પણ યુનિવર્સિટી નથી જે હવે પછી આંતરરાષ્ટ્રીય ૨૦૦ અને ૧૦૦ યુનિવર્સિટીમાં ગુજરાતનું સ્થાન પણ હોય.

શ્રી ચુડાસમાએ વધુ વિગતો આપતા જણાવેલ કે ગુજરાતના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે જે રીતે પ્રગતિ થઇ રહી છે તેને પરિણામે સ્ટડી ઇન ગુજરાત અભિયાનમાં પહેલીવાર ગુજરાતની સરકારી યુનિવર્સિટીમાં વિદેશના ૧૦ હજાર વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો એ વાતને લઇ શિક્ષણમંત્રી તરીકે ગૌરવ સાથે કહુ છું ભૂતકાળની સરખામણીએ સમગ્ર શિક્ષણમાં વર્લ્ડકલાસ ગુણવતાયુકત શિક્ષણ આપવાના પ્રયાસને સફળતા મળી છે.

શ્રી ચુડાસમાએ વધુમાં જણાવેલ કે કોરોના કાળમાં લોકડાઉન સમયે બધુ જ બંધ હતુ ત્યારે માત્ર ગુજરાતનું શિક્ષણ અનલોક હતું. અમે લોકડાઉનના બીજા અઠવાડીયાથી ધો. ૩ થી ૧૨ વંદે ગુજરાત અને ડીડી.ગીરનાર ઉપર એક એક ધોરણે પ્રમાણે દિવસના ૩ ટાઇમ શિક્ષણ આપ્યુ જે દેશમાં કયાંય થયું નથી. અમે જ્યા ન પહોંચી શકયા ત્યાં અમે પુસ્તકો પહોંચાડવા અને જ્યારે અનુકુળતા ઉભી થઇ ત્યારે અમે પ્રત્યક્ષ શિક્ષણ પણ આપ્યુ છતા પણ સાતત્ય અને મહાવારો જાળવવાના પ્રયાસ હાલમાં ધો. ૧ થી ૮ એક નવી પધ્ધતિ વિકસાવીને બાળકોને પ્રત્યક્ષ શિક્ષણ આપી રહ્યા છીએ જેને સફળતા પૂર્વક શેરી શિક્ષણ મહોલ્લા શિક્ષણ અત્યારે ચાલી રહ્યુ છે.

શ્રી ચુડાસમાએ વધુમાં જણાવેલ કે છેલ્લા પાંચ વર્ષમાં સાડા ત્રણ લાખથી વધુ વિદ્યાર્થી પ્રાથમિક શિક્ષણમાં ખાનગી શાળાઓમાંથી અમારી શાળામાં આવ્યા છે. જે ગુજરાતના શિક્ષણમાં ગુણવતામાં સુધારો થયો છે. તેની સાબિતી પુરાવે છે. હજુ પણ ખાનગી શાળાની બરાબરી કરી વર્લ્ડ કલાસ શિક્ષણ આપી શકયા છીએ. મિશન સ્કૂલ ઓફ એકસલન્સની શરૂઆત કરવા જઇ રહ્યા છીએ.

ગુજરાતની પ્રાથમિક શિક્ષણની ગુણવતાનું માપદંડ હમણાં જ દિલ્હી સરકારે બહાર પાડેલ સર્વેમાં પર્ફોમન્સ ગ્રીડીંગ ઇન્ડેક્ષ ગુજરાતને ૧ પ્લસ સ્ટેટસ મળ્યુ છે. પરર્ફોમસ ડેવલોપમેન્ટ ઇન્ડેક્ષમાં ગુજરાતને વનપ્લસ સ્થાન મળ્યુ હતુ. આને વધારે સુદ્રઢ બનાવવા માટે મિશન સ્કુલ એકસલન્સની અમે શરૂઆત કરવા જઇ રહ્યા છીએ. જેના માટે વર્લ્ડ બેન્ક અને એશીયન ઇન્ફ્રાસ્ટ્રકચર બેન્ક દ્વારા ૮ હજાર કરોડ રૂપિયા ગુજરાતને મળનાર છે. આ પ્રકારની સહાય મેળવનાર દેશમાં ગુજરાત માત્ર એક છે. જેના દ્વારા ઇન્ફ્રાસ્ટ્રકચર કલાસરૂમ કોમ્પ્યુટર વગેરેનાં ઉપયોગથી આગામી ૬ વર્ષમાં ગુજરાતના વિદ્યાર્થીઓનું શિક્ષણ સ્તર વર્લ્ડ કલાસ બને તેવા પ્રયાસ છે. દરમ્યાન જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાય તેમજ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સીન્ડીકેટ મેમ્બર એકેડમીક કાઉન્સીલના મેમ્બર અધ્યક્ષ ઇતિહાસ વિભાગ ચેરમેન બોર્ડ ઓફ હિસ્ટ્રી પ્રો.ડો.વિશાલ આર. જોષી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ચુડાસમાએ શ્રી ઉપાધ્યાય દ્વારા ઓનલાઇન શિક્ષણમાં વિદ્યાથીઓ વધુ જોડાય તે માટે કરાતાં પ્રયત્નો તેમજ શેરી શિક્ષણ મહોલ્લા શિક્ષણમાં તેમજ ઓનલાઇન પરિક્ષામાં વધુમાં વધુ જૂનાગઢ જિલ્લાના વિદ્યાર્થીઓ જોડાતા હોવાની નોંધ લઇ શ્રી ઉપાધ્યાયની કામગીરીની સરાહના કરી હતી.

(11:03 am IST)