સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th July 2021

કચ્છ જિલ્લા પંચાયત દ્વારા ગેરમાર્ગે દોરતાં જવાબો અપાય છે : કોંગ્રેસે પર્દાફાશ સાથે કર્યો આક્ષેપ

પૂર્વ વિપક્ષી નેતા વી.કે. હુંબલનો જિલ્લા પંચાયતના શાસકોને પડકાર

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૧૬ : કચ્છ જીલ્લા પંચાયતના તા. ૦૬/૦૭/૨૦૨૧ ના મળેલ સામાન્ય સભામાં ભીમાસર બેઠકના સભ્યશ્રી મંજુબેન શંભુભાઈ ડાંગર દ્વારા ૨૭ જેટલા પ્રશ્નો પૂછવામાં આવેલ હતા જેના જવાબો લેખિતમાં જીલ્લા પંચાયત દ્વારા આપવામાં આવેલ છે જે વાસ્તવિક હકીકતથી દુર છે અને ખોટું અર્થઘટન કરી ને મનઘડત રીતે જવાબો અપાયેલ છે જે બાબતે જોલ્લા વિકાસ અધિકારીશ્રી પાસેથી સ્પષ્ટતાઓ માંગવામાં આવશે. જે પ્રશ્નોના જવાબો અપાયેલ છે 

 જેમાં દુધઈ ગામે ૧૦૦૦ એકર થી વધારે જમીન ગૌચરની નીમ થયેલ છે જે જમીન ઉપર બિલકુલ દબાણો થયેલ નથી તેવો જવાબ અપાયેલ છે, હકીકતમાં મોટાભાગની ગૌચર જમીનો ઉપર દબાણો થયી ગયેલ છે.

જીલ્લા પંચાયત દ્વારા ખાનગી માલિકીની બિનખેતી જમીનોમાં જીલ્લા પંચાયત દ્વારા વિકાસ કામો કરી શકાય કે નહિ તેના જવાબમાં જીલ્લા પંચાયતે જણાવેલ છે કે ખાનગી માલિકીની બિનખેતી જમીનમાં વિકાસ કામો કરી શકાય નહિ. પરંતુ જીલ્લા પંચાયત દ્વારા જ અસંખ્ય કામો ખાનગી માલિકો અને બિલ્ડરોની જમીનોમાં રોડ, ગટર અને પાણીના કામો કરવામાં આવી રહેલ છે.

મંજુલાબેન ડાંગરના પ્રશ્નોના જવાબમાં જીલ્લા પંચાયત દ્વારા જવાબ અપાયેલ છે કે કચ્છની કુલ્લ ૬૩૦ ગ્રામ પંચાયતો પૈકી એક પણ ગ્રામ પંચાયત આજ દિવસ સુધી GEM પોર્ટલમાં રજીસ્ટર થયેલ નથી, તેમ છતાં તાલુકા/જીલ્લા પંચાયતો દ્વારા ગ્રામ પંચાયતોને GEM પોર્ટલ મારફતે ખરીદી કરવાનો આગ્રહ રાખવામાં આવે છે. હકીકતમાં ગ્રામ પંચાયતો પાસે કવોલીફાઇડ સ્ટાફ જ નથી, તેના લીધે માલસમાન ખરીદીમાં મોટો વિલંબ ઉભો થાય છે. હકીકતમાં GEM પોર્ટલ મારફતે માલ ખરીદી કરવામાં આવે તો તે માલસામાન બજારભાવ કરતા પણ ઊચા ભાવ આવે છે જે પંચાયતોને પણ નુકસાનકારક છે જેથી પંચાયતો સમયસર કામ પણ કરી શકિત નથી. જેથી ગ્રામ પંચાયતોને ઓથોરાઈઝડ ડીલર પાસેથી ઓફલાઈન માલ ખરીદ કરવાની મંજુરી આપવામાં આવે તેવી માંગ જીલ્લા પંચાયત પાસે કરવામાં આવશે.

જીલ્લા પંચાયતના સભ્યોને જીલ્લા પંચાયત પાસેથી પ્રશ્ન પૂછવાનો અધિકારો છે અને તેના આધારો સાથે જવાબો આપવાની જવાબદારી જીલ્લા પંચાયતની છે તેમ છતાં યોગ્ય જવાબ ના આપી અને સભ્યઓનો વિશેષાધિકાર હનન થાય છે. આ બાબતે જીલ્લા પંચાયત દ્વારા સભ્યશ્રીઓને વિગતવાર અને આધારો સાથે જવાબ અપાય તે જરૂરી છે.

(11:34 am IST)