સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th July 2021

ગુજરાતના ૧૫૦૦૦ શિક્ષકો પડતર પ્રશ્નોને લઈને સરકાર સમક્ષ રજુઆત

જામનગરમાં ગુજરાત રાજય નગર પ્રાથમિક શિક્ષણ સંઘની વાર્ષિક પ્રતિનિધિ સભામાં રણનીતિ ઘડાઈ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૬: ગુજરાત રાજય નગર પ્રાથમિક શિક્ષણ સંદ્ય ની વાર્ષિક પ્રતિનિધિ સભા જામનગરમાં મળી હતી. પ્રાથમિક શિક્ષક સંદ્યની જામનગર ખાતે દેવરાજ દેપાર સ્કૂલ ખાતે મળેલી ખાસ વાર્ષિક પ્રતિનિધિ સભામાં રાજયના મહાનગરપાલિકા અને નગરપાલિકાની ૧૯ શિક્ષણ સમિતિની ૧૧૦૦ શાળાઓના ૧૫હજાર શિક્ષકોના ૪૨૦૦ ગ્રેડપે સહિતના લાંબા સમયથી પડતર પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ બેઠકમાં રાજય ભરમાંથી ૭૫ જેટલા મુખ્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષકોના ૪૨૦૦ ગ્રેડપે અને ઉચ્ચતર પગારધોરણ સહિતના અન્ય વિવિધ ૫ પ્રશ્નો અંગે આ સભામાં ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ અગત્યની મળેલી ખાસ ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘની સભા દરમિયાન રાજય પ્રાથમિક શિક્ષક સંદ્યના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા મને વિવિધ શિક્ષક એસોસિએશનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિસ્તૃત ચર્ચા કરી આગામી શિક્ષકોના પ્રશ્ને સરકાર સમક્ષ રજૂઆત અને આગામી ૨૨ જુલાઈના રાજય સરકારના શિક્ષણ વિભાગમાં સચિવ સચિવ અને અધિકારીઓ સાથે મુલાકાત કરી આ મુદ્દે તાકીદની ખાસ બેઠક માટેની વિવિધ ચર્ચાઓ કરવામાં આવી હતી. અને રાજયના ૧૫ હજાર જેટલા શિક્ષકોના પડતર પ્રશ્ને નિવેડો નહીં આવે તો આગામી રણનીતિ ઘડવા આ અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

૧૯૯૮થી ૪૨૦૦ ગ્રેડપે ઉપરાંત નોકરી દરમિયાન મૃત્યુ પામેલા નગર પ્રાથમિક શિક્ષક સમિતિના શિક્ષકોના પરિવારને મરણોતર સહાય નથી મળતી એ અંગેના પ્રશ્નો, જી.પી.એસ.સી.પરીક્ષામાં વયમર્યાદા અંગે મુકિત આપવા, અન્ય જિલ્લામાંથી બદલી પામેલા શિક્ષકોના જીપીએફ અને પેન્શનના પ્રશ્નો અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અને શિક્ષકોના આ તમામ પ્રશ્ને નિરાકરણ લાવવા હકારાત્મક ચર્ચા કરાઇ હતી. અને જો આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી રણનીતિ પણ ઘડવા અંગે ચર્ચા કરાઇ હતી. (તસવીરોઃ કિંજલ કારસરીયા, જામનગર)

(12:43 pm IST)