સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th July 2021

રાજકોટ જિલ્લામાં મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના અંતર્ગત ઇન્ડસ્ટ્રીઝ ઝોન અને સર્વિસ સેક્ટરમાં ૬ હજારથી વધુ યુવાનોને રોજગારી આપવાનું આયોજન કરાશે

કોરોના કાળમાં નોકરી છૂટી ગઈ હોય તેવા યુવાનોને વૈકલ્પિક રોજગારી મળી રહે તેવું આયોજન કરો- એપ્રેન્ટીસશીપ યોજના અંગે મળેલી મિટિંગમાં કલેકટર અરુણ મહેશ બાબુની અધિકારીઓને સુચના

રાજકોટ :મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના અંતર્ગત રાજકોટ જિલ્લામાં વધુ ને વધુ યુવાનોને રોજગારી મળે તેવા હેતુસર કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને જિલ્લાના અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં ઇન્ડસ્ટ્રીઝ અને સર્વિસ સેક્ટર સાથે જોડાયેલા ડીપાર્ટમેન્ટના અધિકારીઓને ઇન્ડસ્ટ્રીઝ, કોન્ટ્રાક્ટરો અને વિવિધ એજન્સીઓ દ્વારા રોજગારવાંચ્છુ યુવાનોને વિવિધ સરકારી યોજનાઓ અંતર્ગત રોજગારી આપવામાં આવે તે માટે સુચના આપવામાં આવી હતી. જિલ્લામાં ૬ હજારથી વધુ યુવાનોને એપ્રેન્ટિસશિપ મળે તે માટે રિવાઇઝ્ડ પ્લાન પ્રમાણે સંબંધિત અધિકારીઓ સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો.
જિલ્લાના અધિકારીઓએ નવા લક્ષ્યાંક સાથે કામ કરવાની સંમતિ દર્શાવતા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે આ એક સેવાનું કાર્ય છે. ગુજરાતમાં સ્થાનિક યુવાનોને વધુ ને વધુ રોજગારી મળે તેવા હેતુસર રાજ્ય સરકારે આ યોજનામાં નોકરીદાતાઓ માટે એપ્રેન્ટીસ  રાખવા બદલ આકર્ષક ઈન્સેટીવ પણ રાખેલ છે. યુવાનોને તાલીમ સાથે રોજગારી મળે તે માટે રૂ.૫૦૦૦ થી ૯૦૦૦ સુધીનું સ્ટાઇપેન્ડ મળે છે. કોરોના કાળમાં જેની નોકરી છૂટી ગઈ છે તેવા યુવાન ભાઈ-બહેનોને રોજગારી મળે તેવું આયોજન કરવા તેમજ રાજ્ય સરકાર દ્વારા જે નવા એકમોને આ યોજના હેઠળ આવરી લેવાયેલ છે, તે એકમો સાથે પણ પરામર્શ કરી લક્ષ્યાંક મુજબ કાર્યવાહી કરવા કલેકટરએ  સુચના આપી હતી.
મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજનાના  નોડલ અધિકારી અને આઇ.ટી.આઇ.ના પ્રિન્સિપાલશ્રી નિપુણ  રાવલ દ્વારા જિલ્લાની લક્ષીત કામગીરી, સરકારની જોગવાઈ, નવા આવરી લેવાયેલા એકમો અને આ કામગીરી માટે કાર્યરત હેલ્પડેસ્ક અંગે જાણકારી આપી હતી.
 બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી નાયબ મ્યુનિસિપલ કમિશનર આશિષકુમાર , નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર, ડી.આર.ડી.એ.ના નિયામક જે. કે .પટેલ તેમજ એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ સંલગ્ન વિવિધ કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(8:00 pm IST)