સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th August 2022

હાલ હું કોંગ્રેસમાં છું...ભાજપમાં જોડાવાનો હોત તો કોંગ્રેસના કાર્યક્રમમાં શા માટે જાઉં ? લલિત વસોયા

ધોરાજીના સર્વરોગ નિદાન કેમ્‍પમાં રમેશ ધડુક, જયેશ રાદડિયા સાથે કોંગ્રેસના ધારાસભ્‍ય પણ એક મંચ ઉપર આવતા રાજકીય ગરમાવો

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા. ૧૬:  ધોરાજી ખાતે ધારાસભ્‍ય લલિત વસોયા દ્વારા નિશુલ્‍ક મેડિકલ કેમ્‍પ કરવામાં આવે છે જે  લેઉવા પટેલ સંસ્‍કળતિ ભવન ખાતે સર્વ રોગ નિદાન કેમ્‍પ કરવામાં આવ્‍યો હતો આ કેમ્‍પમાં મુખ્‍ય મહેમાનો તરીકે ભારતીય જનતા પાર્ટીના પોરબંદર સીટના સાંસદ રમેશભાઈ ધડુક તેમ જ રાજ્‍યના પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા કાર્યક્રમના મુખ્‍ય મહેમાનો તરીકે હાજર રહેતા રાજકીયગરમાવો વ્‍યાપ્‍યો છે.

ધોરાજી ઉપલેટા બેઠકના ધારાસભ્‍ય શ્રી લલિત વસોયા કોંગ્રેસ પક્ષમાંથી ચુટાયા હોય ત્‍યારે આવા કાર્યક્રમમાં કોંગ્રેસના અન્‍ય દિગ્‍ગજ નેતાઓની હાજરીને બદલે છેલ્લા કેટલાક સમયથી ભાજપાના આગેવાનો સાથે અને નેતાઓ સાથે એક મંચ પર નજરે પડતા હોવાથી ભાજપમાં જવાની અટકળો તે જ બની રહી છે.

આ મામલે કાર્યક્રમ સ્‍થળ પર હાજર મીડિયા દ્વારા ધારાસભ્‍ય લલીતભાઈ વસોયાએ  જણાવેલ કે ૅહાલ હું કોંગ્રેસમાં છુંૅ અને પતિ પત્‍ની પણ જીવનભર સાથ રહેવાના વચનો લેતા હોય છે તેમ છતાં છૂટાછેડાના કિસ્‍સાઓ બનતા હોય છે.

ધારાસભ્‍ય લલિતભાઇ વસોયાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું કે જો હું ભાજપમાં જોડાવવાનો હોત તો કોંગ્રેસના કાર્યક્રમમાં શા માટે જાઉં ? આજે જ હું રાજકોટ આવ્‍યો છું અને કોંગ્રેસના સંમેલનમાં ઉપસ્‍થિત રહેવાનો છું.

ધારાસભ્‍ય દ્વારા પત્રકારોને આપવામાં આવેલ આ પ્રકારનો જવાબ પણ એક પ્રકારની દિશા નિર્દેશ કરી જાય છે.

જ્‍યારે આ કાર્યક્રમમાં હાજર પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક ને પૂછવામાં આવેલ કે લલીતભાઈ વસોયા ભારતીય જનતા પાર્ટીમાં આવે તો આપ સ્‍વીકારશો ? પત્રકારોને પ્રત્‍યુતર આપતા સાંસદ રમેશભાઈ ધડુંકે જણાવેલ કે આવા પ્રકારના નિર્ણયો પાર્ટી હાઇકમાન્‍ડ દ્વારા લેવામાં આવતા હોય છે અને ભારતીય જનતા પાર્ટી હાઈ કમાન્‍ડ જે પ્રકારે નિર્ણય લે તે મુજબ અમે સ્‍વીકારવા તૈયાર છીએ.

આમ જોઈએ તો છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના કોંગ્રેસના ચૂંટાયેલા અમુક ધારાસભ્‍યો આવતી વિધાન સભા પૂર્વે ભાજપમાં જોડાય તેવી ચર્ચા ચાલી રહી છે આ ઉપરાંત રાષ્‍ટ્રપતિની ચૂંટણીમાં પણ કોંગ્રેસના છ થી સાત જેટલા ધારાસભ્‍યોએ ક્રોસ વોટીંગ કર્યું હોવાની વિગતો પણ બહાર આવી છે અને તેમાં પણ વિશેષ ધોરાજી ઉપલેટાના ધારાસભ્‍ય ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્‍ય અને સાંસદો સાથે વારંવાર મંચ પર સાથે નજરે પડતા હોવાથી લલિત વસોયા નો ભાજપ પ્રવેશ વિશે ચર્ચાઓ તેજ બની છે.

(1:58 pm IST)