સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 16th September 2020

ઝાલાવડમાં ૧૫ દિ'માં બે બોગસ તબીબો ઝડપાયા

વઢવાણ, તા.૧૬: સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અવાર-નવાર ડિગ્રી ન હોવા છતાં કલીનીક ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં બોગસ ડોકટરો ઝડપી પાડવાના બનાવો વધી ચુકયાં છે ત્યારે અગાઉ પણ થોડા દિવસો પહેલા એસઓજી પોલીસે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી બોગસ ડોકટરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. ત્યારે ફરી જિલ્લા પોલીસવડા મહેન્દ્ર બગડીયાની સુચનાથી એસઓજી પીઆઈ ડી.એમ.રાણા સહિતના સ્ટાફે ધ્રાંગધ્રા તાલુકામાં પેટ્રોલીંગ હાથધર્યું હતું. જે દરમ્યાન ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા તેમજ નરાળી ગામેથી બે બોગસ ડોકટરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જેમાં એસઓજી પોલીસે ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામે પેટ્રોલીંગ હાથ ધર્યું હતું જેમાં ગામમાં ગેરકાયદેસર રીતે કલીનીક ખોલી પ્રેકટીસ કરતાં ડો.મનોજભાઈ ચીમનલાલ ઠાકર ઉ.વ.૫૪વાળાને ઝડપી પાડયો હતો અને વધુ તપાસ દરમ્યાન પોતે ડોકટર ન હોવા છતાં તેમજ કોઈપણ જાતની ડિગ્રી કે સારવાર અંગેનું સર્ટીફીકેટ ન હોવા છતાં બોગસ ડોકટર તરીકે છેલ્લા ૧૦ વર્ષથી ગામમાં કલીનીક ખોલી પ્રેકટીસ કરતો હતો અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. જયારે તપાસ દરમ્યાન કલીનીકમાંથી એલોપેથીક દવાઓ કિંમત રૂ.૯૫,૨૩૦નો મુદ્દામાલ પણ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

બીજા બનાવમાં ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામે પણ ગેરકાયદેસર રીતે કલીનીક ખોલી પ્રેકટીસ કરતાં બોગસ ડોકટર રવિન્દ્રનાથ રણજીતભાઈ બાછડ ઉ.વ.૩૯ રહે.નરાળી મુળ રહે.યુપીવાળાને ઝડપી પાડયો હતો. જેની વધુ તપાસ દરમ્યાન કોઈપણ જાતનું તબીબી સારવાર અંગેનું સર્ટીફીકેટ કે ડિગ્રી નહોતી અને છેલ્લા ૭ વર્ષથી પ્રેકટીસ કરતો હતો.

જયારે કલીનીકમાંથી એલોપેથીક દવાઓ કિંમત રૂ.૧૮,૪૮૦નો મુદ્દામાલ પણ કબ્જે કર્યો હતો. આમ ધ્રાંગધ્રા તાલુકાના અગલ-અલગ બે ગામોમાંથી બે બોગસ ડોકટરને ઝડપી પાડી બંન્ને વિરૂધ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગોન્હો નોંધી વધુ તપાસ હાથધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અવાર-નવાર બોગસ ડોકટરો ઝડપી પાડવાના બનાવો વધી રહ્યાં છે ત્યારે ફરી ધ્રાંગધ્રા તાલુકામાંથી છેલ્લા ૨૪ કલાકમાં બે બોગસ ડોકટરને ઝડપી પાડતાં ચકચાર મચી જવા પામી હતી.

(11:19 am IST)