સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 16th September 2020

જેતપુરના ચકચારી માર મારવાના બનાવમાં લલીતભાઇ અઢીયાની તબીયત લથડતા રાજકોટ સારવાર હેઠળ

માર માર્યા બાદ લલીતભાઇને લોહી નિકળવા લાગતા પોલીસે જામીન લીધા વગર કાઢી મુકયા ! કોઇ આરોપીના પોલીસે ફિંગર પ્રિન્ટ પણ નથી લીધા

રાજકોટ, તા., ૧૬: જેતપુરના ચકચારી જુગાર કેસમાં સ્થાનીક પોલીસે તોડ કરી જુગારના આરોપી ગોંડલના લલીતભાઇ અઢીયાને બેફામ માર મારવાના બનાવમાં લલીતભાઇની તબીયત બગડતા રાજકોટની ખાનગી હોસ્પીટલમાં સારવાર હેઠળ છે.

જેતપુરના પી.આઇ. કરમુરે દ્વારા રાત્રે લલીતભાઇ અઢીયાને બી.પી.ની દવા બાબતે સારવાર માટે વ્યવસ્થા કરવાનું જણાવતા પી.આઇ. તાડુકી મારી પાસે બી.પી.ની દવા છે કહી બેફામ માર મારી લલીતભાઇને અધમુવા કરી નાખ્યા હતા.

બાદમાં લલીતભાઇને કાનમાંથી લોહી નિકળવા લાગતા લલીતભાઇને સારવાર અપાવવાના બદલે પોલીસ સ્ટેશનથી જતા રહેવાનું કહી કાઢી મુકયા હતા.

આશ્ચર્યની વાત તો એ છે કે લલીતભાઇના જામીન કોણ પડયું છેતે લલીતભાઇને પણ ખબર નથી! તો શું પીઆઇને પછી પોતાની ભુલ સમજાણી હોય અને જામીનની વ્યવસ્થા પણ પોલીસે જ કરી હશે?

લલીતભાઇને ઇજાગ્રસ્ત હાલતમાં મોકલી દીધા બાદ બાકીના પાંચ આરોપીને પણ પોલીસે જવા દીધા હતા. એક પણ આરોપીના પોલીસે ફીંગર પણ નથી લીધા હોવાનું આ બનાવમાં તપાસનીસ જમાદાર મજનુભાઇએ જણાવ્યું હતું.

હાલ આ બનાવે પોલીસ બેડામાં ભારે ચર્ચા જગાવી છે.

(11:28 am IST)