સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th November 2021

મોરબી : ચેકરિટર્ન કેસમાં કારખાનાના ભાગીદારને એક વર્ષની સજાનો આદેશ

ડબલ રકમનો દંડ વ્યાજ સહિત ચુકવવા કોર્ટનો મહત્વનો ચુકાદો

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૧૬ : મોરબી નજીક આવેલ તીર્થક પેપરમિલ પ્રા. લી. કંપનીને પેમેન્ટરૂપે આપેલ ચેક રીટર્ન થયો હોય જે કેસમાં મોરબી કોર્ટે મધુસુદન પેકેજીંગના ભાગીદારને એક વર્ષની સજા અને ડબલ રકમનો દંડ વાર્ષિક ૯ ટકા વ્યાજ સહીત ચુકવવા આદેશ કર્યો છે

આ કેસની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રહીશ સતીષભાઈ જીવરાજભાઈ ભોરણીયા પેકેજીંગના વ્યવસાય સાથે જોડાયેલ હોય અને ફરિયાદી તીર્થક પેપરમિલ પ્રા. લી. પાસેથી ઉધારે રૂ ૨૪,૮૩,૩૪૨ રૂપિયાના પેપર રોલ લીધેલ હોય જે લેણી નીકળતી રકમ પેટે રૂ ૩ લાખનો સીન્ડીકેટ બેંક મોરબી બ્રાંચનો ચેક આપ્યો હતો અને નાણા મળી જશે તેવું વચન આપ્યું હતું જોકે બેંક ખાતામાં જમા કરતા તા. ૨૭-૦૬-૨૦૧૯ ના રોજ વગર વાસુલાતે પરત ફરેલ જેથી વકીલ મારફત નોટીસ આપવામાં આવી હતી અને નોટીસ બજી જવા છતાં ચેકની રકમ ચૂકવેલ નહિ જેથી નેગોશીએબલ ઇન્સટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ અન્વયે ફરિયાદ કરી હતી

જે કેસ કોર્ટમાં ચાલી જતા દસ્તાવેજી પુરાવાઓ અને ફરિયાદીના વકીલની દલીલો ધ્યાને લઈને ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ એ.એન.વોરાએ આરોપી સતીષ ભોરણીયાને ડબલ રકમનો દંડ એટલે કે રૂ ૬ લાખ તેમજ ફરિયાદ વાળા ચેકની રકમ ફરિયાદ તારીખથી ચુકવણી સુધીના વાર્ષિક ૯ ટકા વ્યાજ સહીત ચુકવવા અને એક વર્ષની સજા ફટકારી છે અને દંડ ભરવામાં કસુર કરે તો આરોપીને વધુ ૯૦ દિવસની સાદી કેસની સજા ભોગવવાનો હુકમ કર્યો છે.

(11:17 am IST)