સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th November 2021

ગોંડલ પંથકમાં સિંહ પરિવારના ધામા : સુલતાનપુર ગામ પાસે સિંહણ જોવા મળ્‍યા બાદ દેરડી (કુંભાજી) ગામે મારણની કોશિષ

(નરેશ શેખલીયા દ્વારા) ગોંડલ તા. ૧૬ : દિવાળીના તહેવાર પહેલાથી ગોંડલ પંથકમાં જંગલના રાજાના પરિવારે જંગલ છોડીને ધામા નાખ્‍યા છે.તાલુકાના વાસાવડ, રાવણા, સુલતાનપુર સહિતના ગામોમાં સિંહે મારણ કરીને મિજબાની માણ્‍યા બાદ ગતહ રાત્રીના સુલતાનપુર દેરડી(કુંભાજી) માર્ગ પર સુલતાનપુર રાણસીકી વચ્‍ચે સિંહણ જોવા મળી હતી બાદમાં દેરડી(કુંભાજી) ગામની ખાંભાની સીમમાં ખોડીયાર મંદિર પાસે વિંછીયા પંથકમાંથી આવેલ માલધારીના નેસમાં રાત્રીના સમયે સિંહ પરિવાર ત્રાટક્‍યો હતો.
સિંહણે વાછરડી ઉપર હુમલો કરીને મારણની કોશિષ કરી હતી. એ સમયે માલધારી લોકો જાગી જતાં સિંહણને ભગાડી મૂકી હતી. બાદમાં હુમલાનો ભોગ બનેલ વાછરડીનું બીજા દિવસે બપોર બાદ મોત નિપજયું હતુ.પરંતુ ગોંડલ પંથકમાં આવીᅠ ચડેલા સિંહ પરિવારમાં સુલતાનપુર દેરડી(કુંભાજી) પંથકમાં સિંહણ સાથે બે બચ્‍ચા હોવાની વિગતો સામે આવી છે.જેમને લઈને ગોંડલ પંથકમાં સિંહ પરિવાર અને સિંહ પરિવાર દ્વારા કરવામાં આવતા જુદાજુદા ગામોમાં મારણ અને હુમલાને લઈને ખેડૂતો, મજૂરો, માલધારી સહિતના લોકોમાં ફફડાટ વ્‍યાપી જવા પામ્‍યો છે.
 બીજી તરફ દેરડી(કુંભાજી) ગામે સિંહ પરિવારે કરેલ મારણની કોશિષ અને સુલતાનપુર ગામ નજીક જોવા મળેલ સિંહ પરિવારને લઈને ગોંડલ વન વિભાગના અધિકારીઓ ઘટના સ્‍થળે દોડી ગયા હતા.

 

(11:30 am IST)