સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th November 2021

રાણાએ સાયલા વેપારી મહામંડળ દ્વારા આયોજિત સ્નેહમિલનમાં આપી હાજરી

સ્ટાર્ટ-અપ ઇન્ડિયા અને ગતિ શકિત જેવી અનેક યોજનાઓનો લાભ લઇ, વેપારીઓ આત્મનિર્ભર બનશે : વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા

સુરેન્દ્રનગર,તા. ૧૬ : સાયલા લાલજી મહારાજની જગ્યા ખાતે શ્રી સાયલા વેપારી મહામંડળ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં ગુજરાત રાજયના વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં શ્રી સાયલા વેપારી મહામંડળના સભ્યો દ્વારા મંત્રીશ્રીનું મોમેન્ટો અને સાલ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રીએ ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, કોરોના કાળ દેશ સહિત આ વિસ્તારના વેપારી અને ધંધાદારીઓ માટે ખૂબ જ માઠો રહ્યો હતો. ત્યારે સરકારની પરિણામલક્ષી કામગીરીથી આજે દેશ કોરોના પર કાબૂ મેળવી રહ્યો છે. સ્વચ્છ, સ્વસ્થ અને સુજલ ગુજરાત માટે જન અભિયાન શરૂ કરનાર મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સહિત સાયલા વિસ્તાર પણ વિકાસની અનેક નવી દિશાઓ તરફ પ્રયાણ કરી રહ્યો છે. તેમણે ઉમેર્યું કે, હાલ લોકોને નર્મદાનું પીવાનું શુદ્ઘપાણી, ખેડૂતો માટે સીંચાઈનું પાણી, ૨૪ કલાક વીજળી, રોડ-રસ્તા, આવાસ અને સ્વચ્છતા અભિયાન થકી રાજયમાં વિકાસના અનેક કાર્યો હાથ ધરાઇ રહ્યા છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વેપારીઓને લાભ થાય તેવી સ્ટાર્ટ-અપ ઈન્ડિયા, ડિજિટલ કાર્ડ, ગતિ શકિત જેવી અનેક યોજનાઓનો લાભ લઈ આજે દેશના અનેક વેપારીઓ આત્મનિર્ભર બન્યા છે. તેમણે ગુજરાતની આ વિકાસયાત્રાને આગળ ધપાવી સાયલા વિસ્તારના વિકાસ થકી સમગ્ર દેશના વિકાસની પરિકલ્પનાને સાકાર કરવા વેપારી મંડળના સભ્યોને કટિબદ્ઘ અને આત્મનિર્ભર બનવા આહવાન કર્યું હતું.     

આ કાર્યક્રમમાં વેપારી મહામંડળના પ્રમુખશ્રી, વેપારી મહામંડળના મંત્રીશ્રી રજનીભાઈ ડગલી  અગ્રણી સર્વશ્રી ભરતભાઇ સોનાગ્રા, સુનિલભાઈ ધાંધલ, શ્યામજીભાઈ મોરી, વનરાજસિંહ વાઘેલા, રઘુભા, જિગ્નેશભાઈ, સુરેશભાઇ, ગિરધરભાઈ, બુટેશભાઈ સહિત વેપારી મંડળના સભ્યો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.

(11:31 am IST)