સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th November 2021

મોરબીમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયા બાદ સલાયાના ગુલાબ ભગાડ અને તેના સગા સંબંધીઓને ત્યાં તપાસ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૧૬ : દાયકાઓ અગાઉ ભારતમાં ગુનાખોરીનું હબ ગણાતા ખંભાળિયા તાલુકાના નાનાએવા સલાયા પંથકમાં થોડા સમય કોઇ નોંધપાત્ર અસામાજિક પ્રવૃતિ પ્રકાશમાં આવી ન હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સલાયા પંથક વધુ એક વખત ગુનાખોરીના ચોપડે ચડયું છે. આજથી આશરે ત્રણેક વર્ગ પૂર્વ કરોડો રૂપિયાનું ડ્રગ્સ સલાયા પંથકમાંથી એટીએસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું.ત્યારબાદ ગત સપ્તાહમાં ખંભાળિયા તથા સલાયા વિસ્તારમાંથી વધુ રૂપિયા ૩૧પ કરોડનું ૬૩ કિલો જેટલું ડ્રગ્સ ઝડપાતા આ પ્રકરણથી દેવભૂમિ દ્વારકા જિલ્લા સાથે સમગ્ર ગુજરાતમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

આ પ્રકરમાં તંત્ર દ્વારા ચાલી રહી રહેલી કામગીરી તથા ઝડપયોલા આરોપીઓના તારીખ ર૦ સુધીના હાલ ચાલી રહેલા રિમાન્ડ દરમિયાન ગઇકાલે મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામેથી રૂપિયા ૬૦૦ કરોડની કિંમતનું ૧ર૦ કિલોગ્રામ હેરોઇન ઝડપાયું હતું. જેમાં ખંભાળિયા તાલુકાના સલાયા ગામના એક શખ્સ મળી ત્રણ શખ્સોને એટીએસ વિભાગે દબોચી લીધા હતા.

એટીએસ વિભાગના ઓપરેશન દરમિયાન પાકિસ્તાનથી ઓકટોબર માસમાં દરિયાઇ માર્ગે સલાયામાં ઉતારવામાં આવેલા ડ્રગ્સના તોતિંગ જથ્થાને સલામતી સાથે ઝીંઝુડા ગામે પહોંચાડી, છુપાવવામાં આવ્યાના પ્રકરણમાં પોલીસે મુખ્તારહુશેન ઉર્ફે જબ્બર હાજી નૂરમોહમ્મદ રાવ તથા ઝિંઝુડા ગામના સમસુદ્દીન હુસેનમીયા સૈયદ અને ખંભાળિયા તાલુકાના સલાયાના ગુલામહુસેન ઉપર ભગાડ નામના ત્રણ શખ્સોને ઝડપી લઇ ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

મોરબી ડ્રગ્સ પ્રકરણમાં સલાયાના આરોપી ગુલામ હુસેન ભગાડ અંગે હિસ્ટ્રી મેળવવા માટે એટીએસ વિભાગના અધિકારીઓનું ગઇકાલે ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આગમાન થયું હતું. અને એટીએસ વિભાગ સાથે દેવભૂમિ દ્વારા જિલ્લા પોલીસ દ્વારા સલાયા ખાતે ગુલામહુસેનના મકાન તથા અન્ય સગા-સંબંધીઓને ત્યાં ચેકિંગ તથા પુછપરછ અંગેની કાર્યવાહી કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છ.ે

મોરબી ડ્રગ્સ પ્રકરણના તાર ખંભાળિયામાં ઝડપાયેલા ડ્રગ્સ સાથે સંકળાયેલા છે કે નહી તે બાબત પણ પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. જે આગામી સમયમાં સ્પષ્ટ થશે.

આ વચ્ચે ખંભાળિયા ડ્રગ્સ પ્રકરણના મુખ્ય સુત્રધાર એવા સલાયાના કારા બંધુઓ તથા ડ્રગ્સને મુંબઇ તરફ લઇ જનાર સજજાદ ઘોસી જોશી કારા બંધુઓ વતી પાકિસ્તાનની દરિયાઇ સરહદથી સલાયા સુધી ડ્રગ્સનો જથ્થો સલામત રીતે પહોંચાડનારા જસરાયા બંધુઓ હાલ તારીખ ર૦ સુધી રીમાન્ડ પર છે તેની તપાસ પણ ગુપ્તતા પૂર્વક ચાલી રહી છે. આ વચ્ચે આ પ્રકરણમાં તોતિંગ રકમની આર્થિક લેવડ-દેવડની દિશામાં પણ પોલીસ  દ્વારા પુછપરછ સહિતની કામગીરી કરવામાં આવી હતી. આગામી સમયમાં પોલીસ દ્વારા વધુ કેટલાક મુદ્દે ઘટસ્ફોટ કરાય તો પણ નવાઇ હતી.

આ ડ્રગ્સ કાંડના મુળિયા સુધી પહોંચવા જિલ્લા પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

(12:54 pm IST)