સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 17th January 2022

"ધોરાજી પોલીસને તસ્કરોનો પડકાર" ?: ધોરાજીનાં હાર્દ સમા ગેલેક્સી ચોકમાં બાર એસો.નાં પ્રમુખની ઓફિસના તાળા તૂટ્યા

પોલિસે સ્થળ પરીક્ષણ કરી તપાસ હાથ ધરી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા)ધોરાજી :તાજેતરમા ધોરાજી વિસ્તારમાં ચોર લૂંટારાઓ જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યાં હોય તે પ્રકારે ઝાંઝમેર લૂંટ બાદ ગત રાત્રિનાં ધોરાજીના હાર્દ સમાન ગેલેક્સી ચોકમાં ધોરાજી વકીલ મંડળના પ્રમુખ ની ઓફિસમાં તાળા તોડી અજાણ્યા તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ધોરાજી શહેરમાં સતત ટ્રાફિક થી ધમધમતા અને શહેરનાં હદય સમાન ગેલેક્સી ચોકમાં ગેલેક્સી કોમ્પલેક્ષમા ત્રીજા માળે આવેલ બાર એસોસિયશનના પ્રમુખ વી. વી.વઘાસિયા (એડવોકેટ અને નોટરી) ની ઓફિસના તાળા તોડી અજાણ્યા તસ્કરોએ રોકડ રકમની ચોરી કરી હતી.
એડવોકેટ અને ફરિયાદી વી વી વઘાસીયા એ જણાવ્યુ હતુ કે ગતરોજ સાંજના સમયે તેઓ ઓફિસને લોક કરી ઘરે જવા નીકળ્યા હતા. સવારે આવી ઓફિસ પોહચતા ઓફિસની જાળી પરનું તાળું અને મેઈન ડોરનું તાળું તૂટેલું હતુ. ઓફિસમાં સ્ટેમ્પ ખરીદવા માટે રાખેલા 73,000/- જેવી રકમ અને બે જોડી ગોગલ્સ ચોરી થઈ હોવાનુ જાણવા મળેલ જેથી ધોરાજી પોલીસને જાણ કરતાં પોલીસે સ્થળ નિરીક્ષણ કર્યું હતુ. ફરિયાદીનું નિવેદન નોંધી ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી.
વિશેષ ધોરાજી શહેર સીસી ટીવી કેમેરા થી સજ્જ છે ત્યારે ધોરાજી પોલીસ સીસી ટીવી કેમેરા ચેક કરી તપાસ હાથ ધરી છે.
તાજેતરમા ધોરાજીના ઝાંઝમેર ગામે સોની વેપારી પાસેથી થેલાની લૂંટ થઈ હતી. આજે ફરી શહેરનાં નાક સમાન વિસ્તારમાં ચોરીને અંજામ આપી પોલીસને પડકાર ફેંકતા હોઈ તેવો તાલ સર્જાયો છે

(8:32 pm IST)