સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 17th February 2021

લુવારાની ઘટનાના વિરોધમાં કેશોદ તાલુકા સમસ્ત કાઠી ક્ષત્રિય તથા ગઢવી ચારણ સમાજનુ નાયબ કલેકટરને આવેદન

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ, તા.૧૭: કાઠી ક્ષત્રિય સમાજ તથા ગઢવી ચારણ સમાજને થયેલ અન્યાય બાબતે અનેક જીલ્લામાં આવેદનપત્ર આપવામા આવ્યા છે. જે બાબતે જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી ન થતાં કેશોદ તાલુકા કાઠી ક્ષત્રીય સમાજ તથા ગઢવી ચારણ સમાજ દ્વારા કેશોદ નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતુ.

આપેલ આવેદનપત્રમાંજણાવેલ હતું કે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના લુવારા ગામે કાઠી ક્ષત્રિય સમાજની દિકરી હેમુબાએ પોલીસની ખુલ્લી દાદાગીરીનો વિડિયો ઉતાર્યો હતો તે ગુનો નથી તેમજ હેમુબાએ કોઈપણ વ્યકિતને ઈજા પહોંચાડી તેવા પુરાવા નથી તો હેમુબા સામે પોલીસે ૩૦૭ની કલમ લગાડી હેમુબાને ખોટી રીતે સંડોવી કેસ કરી જેલ હવાલે કરેલછે તે નારી રત્નનું અપમાન અને અમાનવીય કૃત્ય ગણાય તેથી પાંચ દિવસમાં એસપીને કાયમી ધોરણે ડીસમીસ કરવા અને જવાબદાર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગણીકરવામાં આવી છે.

આ ઉપરાંત સંયુકત આપેલા આવેદનપત્રમાં કચ્છમાં ગઢવી સમાજના બે યુવાનો પોલીસ મારથી મૃત્યુ પામ્યા છે તે જવાબદાર અધિકારી ઉપર ગુનો દાખલ કરી ધરપકડ કરી યોગ્ય રાહે પગલા લેવાની માંગ કરવામાં આવેલ છે.

ઉપરોકત બન્ને ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ સાથે કેશોદ તાલુકા કાઠી ક્ષત્રિય સમાજ તથા ગઢવી ચારણ સમાજ દ્વારા કેશોદ નાયબ કલેકટરને આવેદનપત્ર આપી દિવસમાં પાંચમાં અમરેલી એસપીને ડીસમીસ તથા જવાબદાર પોલિસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં નહી આવે તો સમગ્ર ગુજરાતમાં કાઠી ક્ષત્રિય સમાજ અને ગઢવી ચારણ સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી આવેદન પત્રના અંતમાં ચીમકી ઉચ્ચારેલ છે.

(10:06 am IST)