સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 17th February 2021

અમરેલી જીલ્લાની ૫ પાલિકા -૧૧ તાલુકા પંચાયત અને ૧ જીલ્લા પંચાયત માટે ૧૦૬૪ ઉમેદવારો મેદાનમાં

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૧૭: અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની ઉમેદવારીની વિધિ પૂર્ણ થતા જે ફાઇનલ ચિત્ર સામે આવ્યું છે. અમરેલી જિલ્લામાં પાંચ પાલિકા તથા અગિયાર તાલુકા પંચાયતો અને એક જિલ્લા પંચાયત માટે કુલ ૧૦૬૪ ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ લડાશે.

આજે ઉમેદવારી પાછી ખેંચવાના અંતિમ દિવસે તાલુકા પંચાયતોમાં ૧૭ ફોર્મ પાછા ખેંચાતા ૧૧ તાલુકા પંચાયતોની ૧૭૪ બેઠકો માટે ૫૧૪ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જ્યારે તાલુકા પંચાયત બાબરાની કરીયાણા અને ખંભાળા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પરત ખેંચતા ભાજપના ઉમેદવારો બીનહરીફ થયા છે.

અમરેલી, સાવરકુંડલા, બાબરા, બગસરા અને દામનગર નગરપાલિકામાં કુલ ૧૧ ઉમેદવારીપત્રો પાછા ખેંચતા અમરેલીમાં ૧૨૯, સાવરકુંડલામાં ૧૦૫, બાબરામાં ૬૧, બગસરામાં ૮૭, અને દામનગરમાં ૮૧ મળી કુલ ૪૬૩ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. અમરેલી જિલ્લા પંચાયતમાં આજે ૨ ફોર્મ પાછા ખેંચાતા ૯૧ ઉમેદવારો વચ્ચે જંગ છેડાશે. ઉમેદવારીપત્રોની વિધિપૂર્ણ થતા હવે ઉમેદવારોએ કાર્યાલય ખોલવા સહિતની પ્રચાર પ્રસારની કામગીરી શરૂ કરશે.

(12:52 pm IST)