સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 17th February 2021

વસંતપંચમીના દ્વારકાધીશ ભગવાનને શ્વેત રંગના વસ્ત્રોનો શ્રૃંગારઃ ઉત્સવ આરતી

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા.૧૭: વસંતોત્સવ એ પ્રકૃતિનો ઉત્સવ હોય દ્વારકાધીશ જગતમંદિરમાં વસંત પંચમી મહોત્સવનું વિશેષ મહત્વ રહેલું છે. આજરોજ વસંતપંચમી નિમિત્તે ઠાકોરજીને શ્વેતરંગના વસ્ત્રોની સાથે સાથે મસ્તક શ્વેત ફુલે જેમાં મોરપંખની ચંદ્રિકા સહિતનો શ્રૃંગાર કરાયો હતો.

નિજમંદિરમાં હરીયાલીની સજાવટ સાથે ઠાકોરજીને વિશેષમાં ગોળ, ધાણી, ખજુર, બોર, દ્રાક્ષ વગેરે વિશેષ વ્યંજનરૂપે ભોગ પણ ધરાવવામાં આવ્યો હતો. બપોરે ઠાકોરજીને ગાલે અબીલ ગુલાલના શુકન કર્યા બાદ ઉત્સવ આરતી યોજાઇ હતી.

બપોરે ૨ થી ૩ વાગ્યા સુધી ઉત્સવ દર્શનનો બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો. ઓનલાઇનના માધ્યમથી પણ લાખો ભાવિકોએ ઉત્સવ દર્શનનો લાભ લીધો હતો.(તસ્વીરઃ દિપેશ સામાણીઃ દ્વારકા)

(12:58 pm IST)