સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 17th April 2021

ઉનામાં કોરોનાથી અઠવાડીયામાં ૧૦ થી વધુ મૃત્યુની શંકાઃ સરકારના રેકર્ડમાં સાચો આંકડો દર્શાવતો નથી

તાલુકામાં કુદકે ભુસ્કે વધતું કોરોના સંક્રમણઃ કોરોના ટેસ્ટની સંખ્યા વધારવા માંગણી

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૧૭: શહેર ત્થા તાલુકામાં છેલ્લા આઠ દિવસથી કોરોના સંક્રમિતનો કુદકે ને ભુસ્કે કેસો વધતા જાય છે. સરકારના ચોપડેનાં કોરોનાં કેસના આંકડા ત્થા વાસ્તવિક આંકડાઓમાં વિસંગતતાં જોવા મળે છે. કેસના સાચા આંકડા દર્શાવાતા નથી તેવી ફરિયાદો છે. ઉનામાં કોરોનાથી મૃત્યુ અઠવાડીયામાં અંદાજીત ૧૦ થી વધુ થયાંની શંકા છે. પરંતુ સરકારી ચોપડે કોરોનાથી એક પણ મોત દર્શાવાતું નથી.

શહેર તથા ગ્રામ્ય પંથકમાં છેલ્લા આઠ દિવસથી કોરોના વાયરસના સંક્રમિત શંકાસ્પદ કેસોનો કુદકે ને ભુસકે વધારો થઇ રહ્યો છે. અને સરકારી હોસ્પીટલમાં કોરોના ટેસ્ટ દરરોજ પ૦ થી વધુ કરવામાં આવે છે. જેમાં ત્રીસથી વધુ પોઝીટીવ કેસ આવતા હોવા છતાં સરકારી ચોપડે માત્ર ૬ થી ૭ કેસ જ બતાવવામાં આવે છે. ઉનાની મહેતા હોસ્પીટલમાં રર બેડની કોવીડ કેર હોસ્પીટલ ત્રણ દિવસ પહેલા જ શરૂ કરવામાં આવી હતી જેમાં બે દિવસમાં જ તમામ બેડ હાઉસફુલ થઇ ગયા હતા અને ઉના શહેર તથા ગ્રામ્ય પંથકમાં છેલ્લા આઠ દિવસમાં કોરોના સંક્રમિતોની શંકાસ્પદ ૧૦ થી વધુ મૃત્યુ નોંધાયા હોવાનું જાણવા મળેલ છે. પરંતુ જીલ્લાના સરકારી ચોપડે એક પણ મોત નોંધવામાં આવ્યું નથી.

ઉના નગરપાલિકા દ્વારા કોરોના સંક્રમિત મૃતદેહને અગ્નિસંસ્કાર કરવા અલગ સ્મશાનઘાટની જગ્યા ઉભી કરવામાં આવેલી ત્યાં બે મૃતદેહોને કોરોના કોવિડની ગાઇડ લાઇન પ્રમાણે અગ્નિદાહ આપવામાં આવ્યાનું બહાર આવ્યું છે.

તેમજ ગ્રામ્ય અને શહેરી વિસ્તારની ગલીઓમાં શરદી ઉધરસ અને તાવના સંખ્યાબંધ કેસો જોવા મળી રહ્યા છે સરકારશ્રી આવા લોકોનો ટેસ્ટ કરાવે તેવી માંગણી ઉઠી છે.

(11:36 am IST)