સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 17th May 2021

પ્રાંત અધિકારી દ્વારા સમીક્ષા અર્થે ઉપલેટામાં બેઠક

ધોરાજી-ઉપલેટા વિસ્તારમાં સંભવિત વાવાઝોડા સામે આગોતરી તૈયારી

રાજકોટ, તા. ૧૭: રાજયમાં સંભવિત તાઉતે વાવાઝોડા તથા ભારે વરસાદની પરિસ્થીતીમાં આગોતરા આયોજન અંગે કરેલ પૂર્વ તૈયારી બાબતે ધોરાજી પ્રાંત અધિકારીશ્રી જી.વી.મિયાણી દ્વારા સમીક્ષા અંગે ઉપલેટા મામલતદાર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં વિવિધ મુદાઓની ચર્ચા કરવામાં આવી હતી.

સંભવિત વાવાઝોડા તથા ભારે વરસાદ ની પરિસ્થિતીને પહોચી વળવા માટે સરકારશ્રી તરફથી ધોરાજી મહેસુલી સબ ડિવિઝનને N.D.R.Fની એક (૧) ટીમ જેમાં એક પી.આઇ તથા બે (૨) પી.એસ.આઇશ્રી તેમજ ૧૨૫ N.D.R.Fના જવાનો અઘ્યતન બોટ તેમજ લાઇફ જેકેટ તથા અઘતન પુર રક્ષક સામગ્રી સાથે ફાળવેલ છે.

પ્રાંત અધિકારીશ્રી મીયાણીએ મામલતદારશ્રી અને એન.ડી.આર.એફની ટીમ સાથે ઉપલેટા તાલુકાના નીચાણવાળા અને ભાદર કાઠાના અસરો વાળા ગામ હાડફોળી,સમઢીયાળા,તલગણા, કુંઢેચ,મેલીમજેઠી,લાઠ અને ભીમોરા વિગેરે ગામોની મુલાકાત લઇ ગામના સરપંચશ્રીઓ તથા તલાટી કમ મંત્રીશ્રીઓ તેમજ ગામ આગેવાનો સાથે લગત ગામોમના નીચાણવાળા વિસ્તારોમાં તથા ઝુપડપટી અને નેશડા વાડા વિસ્તારોમાં રહેતા તમામ કુંટુંબોને જે તે ગામની શાળાઓમાં સ્થળાંતર કરાવી દેવાની સુચના આપી છે.

ગ્રામ્ય કક્ષાએ નિચાણવાળા, ઝુપડપટ્ટી અને જર્ઝરીત મકાનમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવા માટે તાલુકા વિકાસ અદ્યિકારીશ્રી દ્વારા લગત તલાટી કમ મંત્રીશ્રી અને સરપંચશ્રીને જવાબદારી સોપવામાં આવી છે.

ધોરાજી સબ ડિવિઝનમાં સમાવિષ્ટ તમામ ગામોએ તથા શહેરોમાં આવેલ તમામ સસ્તા અનાજની દુકાનોમાં જરૂરીયાત મુજબના અનાજનો જથ્થો ફાળવી દેવામાં આવ્યો છે. ધોરાજી સબ ડિવિઝનમાં સમાવિષ્ટ તમામ પોલીસ સ્ટેશને સંભવિત વાવાઝોડા સમયે કોઇપણ ગામમાં કે શહેરમાં સંપર્ક ખોરવાય ત્યારે વાયરલેસ સેવા ઉભી કરવા ચકાસવાની કામગીરી સુપ્રત કરાયેલ છે. વાવાઝોડાના કારણે કોઇ વૃક્ષો રસ્તા ઉપર પડી જાય તો તેના માટે જંગલ ખાતાની એક ટીમ આ વૃક્ષો દુર કરવા માટે તૈયાર કરવા આર.એફ.ઓશ્રી ને જણાવવામાં આવ્યુ છે.

(11:42 am IST)