સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 17th May 2021

પોરબંદર કાંઠે ૮ નંબરનું સિગ્નલ : ૭ હજાર લોકોનું સલામત સ્થળે સ્થળાંતર

પોણા બસો કિ.મી. ઝડપે વાવાઝોડુ ત્રાટકે તેવી સંભાવના સામે તંત્ર એલર્ટ : દરિયાઇ પટ્ટૃી ઉપર પોલીસ બંદોબસ્ત : દરિયા કાંઠે આજે સવારે ૩૦ કિ.મી. ઝડપે ફુંકાતો પવન તથા ૧ મીટર ઉંચા ઉછળતા મોજા : જોખમરૂપ હોર્ડીગ્સ ઉતારી લેવાયા : એન.ડી.આર.એફ . ટુકડી આવી

(હેમેન્દ્રકુમાર પારેખ, પરેશ પારેખ તથા સ્મીત પારેખ દ્વારા), પોરબંદર, તા. ૧૭ : પોરબંદર દરિયા કાંઠે ''તૌકતે'' વાવાઝોડુ ૧૭પ કિ.મી. ઝડપ સાથે ત્રાટકે તેવી સંભાવનાને લઇને વહીવટી તંત્ર એલર્ટ થઇને તમામ તકેદારીના પગલા લઇ રહેલ છે.  બંદરકાંઠે આજે સવારે માછીમારોને ચેતવણી આપતું ૪ નંબરનું સિગ્નલ ઉતારી લઇને ૮ નંબરનું ભયસૂચક સિગ્નલ ચઢાવી દેવામાં આવ્યું છે.

જિલ્લામાં આજે સવારે સુધીમાં દરિયાકાંઠે વિસ્તારમાંથી ૭ હજાર લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. પોરબંદર દરિયાકાંઠે આજે સવારે પવનની ઝડપ ૩૦ કિ.મી. અને ૧ મીટર ઉંચા મોજા ઉછળ્યા હતાં.

પોરબંદર દરિયાકાંઠા વિસ્તારમાં ''તૌકતે'' વાવાઝોડુ ૧૭પ કિ.મી. ઝડપ સાથે તેવી સંભાવના સામે તંત્ર એલર્ટ થઇ ગયું છે. જિલ્લાના દરિયાઇ પટ્ટી વિસ્તારમાં ગઇકાલે ૪ હજાર લોકોના સલામત સ્થળે  સ્થળાંતર બાદ આજે સવાર સુધી જિલ્લામાં કુલ ૭ હજાર લોકોને સલામત સ્થળે સલામત જગ્યાએ શાળા કોલેજ બિલ્ડીંગો, શેલ્ટર હોમ વગેરે સ્થળે ખસેડીને ભોજન સહિત તમામ સુવિધા ઉભી કરવામાં આવી છે.

પોરબંદર દરિયાકાંઠે વાવાઝોડુ ત્રાટકે તેવી સંભાવના જણાતા બંદર કાંઠે આજે સવારે ૪ નંબરનું સિગ્નલ ઉતારી લઇને તેના સ્થાને ૮ નંબરનું સિગ્નલ ચઢાવી દેવામાં આવ્યું છે. શહેરમાં જોખમરૂપ જાહેર ખબરોના હોર્ડીંગ ઉતારી લેવામાં આવ્યાં છે. દરિયાઇ પટ્ટી ઉપર લોકો અવરજવર કરે નહીં તે માટે જુના બંદર અસ્માવતી ઘાટથી ચોપાટી થઇ રંગબાઇ માતાજી મંદિર દરિયાઇ પટ્ટી ઉપર પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો છે. એન.ડી.આર.એફ. ટુકડી શહેરમાં આવી છે.

દરિયાઇ પટ્ટી ઉપર લોકોને સ્થળાંતર કરાવવાની કામગીરી ગઇકાલથી ચાલુ છે આજે સવાર સુધીમાં વધુ પોરબંદર ગ્રામ્યમાં ૧૧૩૭ લોકો, શહેરમાં ૪પપ૪ લોકો, રાણાવાવ તાલુકામાં ૭પ૩ લોકો, તથા કુતિયાણામાં ૪૮ર લોકોને સલામત સ્થળે ખસેડયાં છે. લોકોને આશરો આપવા જિલ્લામાં ૬૦ શેલ્ટર હોમ ઉભા કરાયા  છે.

(1:42 pm IST)