સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 17th May 2021

વાવાઝોડા દરમિયાન આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા જામનગરને વધુ બે 108 એમ્બ્યુલન્સ ફાળવાઈ, હાલ 21 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ ટુ

વાવાઝોડાની સ્થિતિનો સામનો કરવા 108 દ્વારા ત્રી-સ્તરીય આયોજન હાથ ધરાયું: સગર્ભા મહિલાઓને હોસ્પિટલ લઈ જવા 14 ખિલખિલાટ એમ્બ્યુલન્સ રાત-દિવસ કાર્યરત

જામનગર :જામનગર જિલ્લામાં તાઉ-તે વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા વધુ બે 108 એમ્બ્યુલનસ જામનગરને ફાળવવામાં આવી છે.જેમાંથી ગાંધીનગર તથા અમદાવાદથી એક-એક એમ્બ્યુલનસ જામનગર આવી પહોંચતા હવે કુલ 21 એમ્બ્યુલન્સ જિલ્લામાં વાવાઝોડાની તમામ પ્રકારની આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા તૈયાર રહેશે.સાથે સાથે દરિયાકાંઠાથી નજીકના વિસ્તારોમાં રહેતાં સગર્ભા બહેનોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવા 14 ખિલખિલાટ એમ્બ્યુલન્સ પણ કાર્યરત કરવામાં આવેલ છે.
GVK EMRI દ્વારા વાવાઝોડાની સ્થિતિનો સામનો કરવા ત્રી-સ્તરીય આયોજન હાથ ધરવામાં આવ્યું છે.જેમાં વાવાઝોડાની પૂર્વ તૈયારીના ભાગરૂપે દરિયાકાંઠાના વિસ્તારોમાં જે સગર્ભા મહિલાઓની પ્રસૂતિની તારીખ નજીક છે તેવી સગર્ભા બહેનોને ખિલખિલાટ એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલ સુધી પહોંચાડવાની કામગીરી કરાઇ રહી છે.તેમજ વાવાઝોડા દરમિયાન તમામ 108 એમ્બ્યુલન્સ લોકો માટે રાહત અને બચાવની કામગીરી કરશે તથા વાવાઝોડું પૂર્ણ થયા બાદ જો જરૂર પડશે તો તમામ પ્રકારની આપાત કાલિન સ્થિતિને પહોંચી વળવા માટે 108 ની ટીમ રાત દિવસ ખડે પગે રહી ફરજ બજાવશે.

(8:06 pm IST)