સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 17th September 2020

જસદણ પાલિકા દ્વારા એકાંતરા પાણી વિતરણ કરવા રજુઆત

નગરપાલિકા દ્વારા હાલ દર ચોથા દિવસે પીવાનું પાણી વિતરણ થાય છે

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા.૧૭: જસદણ શહેરને પીવાનું પાણી પુરુ પાડતો આલણસાગર ડેમ ઓવરફલો થતો હોય શહેરમાં એકાંતરા પાણી વિતરણ કરવા પાલિકાના પુર્વ ચેરમેન બિજલ ભેસજાળીયાએ રજુઆત કરી છે.

જસદણ શહેરને પીવાનું પાણી પૂરું પાડતું આલણસાગર તળાવ કુદરતની મહેરબાનીથી ઓવરફલો થઈ ગયું છે. જેના કારણે ડેમનું વધારાનું પાણી ભાદર નદીમાં વહી રહ્યું છે. છતાં જસદણ નગરપાલિકા દ્વારા હાલ જસદણ શહેરભરમાં દર ચોથા દિવસે પીવાનું પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેથી બીજલભાઈ ભેસજાળીયાએ શહેરભરમાં એકાંતરા પીવાનું પાણી વિતરણ કરવામાં આવે તેવી ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, જસદણના શહેરીજનોનું જીવાદોરી સમાન ગણાતું આલણસાગર તળાવ હાલ કુદરતની મહેરબાનીથી છલોછલ ભરાઈ ગયું છે. આ તળાવનું વધારાનું પાણી ભાદર નદીમાં વહી રહ્યું છે. જેથી તળાવનું વધારાનું પાણી નદીમાં વહી જાય છે તેના કરતા જસદણના લોકોને વધારે પીવાનું પાણી આપવામાં આવે તો લોકોનો પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ શકે તેમ છે. જેથી જસદણ નગરપાલિકા દ્વારા શહેરીજનોને એકાંતરા પીવાનું પાણી મળી રહે તેવી યોગ્ય વ્યવસ્થા કરી આપવા લેખિતમાં માંગ કરવામાં આવી હતી.હવે જસદણ નગરપાલિકાના ચિફ ઓફિસર એકાતરા પાણી પીવાનું પાણી આપશે કે પાણીમાં બેસી જશે તેવો સવાલ છે.

(12:01 pm IST)