સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 17th September 2020

શાપર-વેરાવળમાં ટ્રકે બાઇકને ઉલાળતા ગોંડલના અશ્વિનભાઇ હિરપરાનું મોત

એકના એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પટેલ પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૧૭ :.. શાપર-વેરાવળમાં ગત સાંજે ટ્રકે બાઇકને ઉલાળતા બાઇક સ્વા ગોંડલના પટેલ યુવાનનું મોત નીપજયું હતું. મળતી વિગતો મુજબ શાપર-વેરાવળમાં એસઆઇડીસી રોડ ઉપર અશોક લેલન ટ્રક નં. જીજે-૦૧ એફ. ટી. ૭૯૧૯ ના ચાલકે ટ્રક પુરઝડપે ચલાવી હોન્ડા નં. જીજે-૦૩ ઇએસ ૩૧૬ ને હડફેટે લઇ ટ્રકનું કલીનર સાઇડનું ટાયર હોન્ડા ચાલક અશ્વીનભાઇ નાગજીભાઇ હિરપરા (ઉ.૪૩) રે. ભવનાથ શેરી નં. ૧ જીઇબી પાછળ ગોંડલ ઉપર ફરી વળતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. બનાવની જાણ થતા શાપર-વેરાવળનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને મૃતકની લાશને પી. એમ. માટે હોસ્પીટલમાં ખસેડી હતી.  બનાવ બાદ ચાલક ટ્રક મુકી નાસી છૂટયો હતો.

મૃતક અશ્વિનભાઇ ગોંડલમાં રહે છે અને શાપર-વેરાવળમાં નોકરી કરે છે. સંતાનમાં એક પુત્ર છે જેણે પિતાની છત્રછાંયા ગુમાવતા પટેલ  પરિવારમાં એરરાટી વ્યાપી ગઇ છે. શાપર-વેરાવળ પોલીસે ટ્રક ચાલક સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(1:09 pm IST)