સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th November 2020

કચ્છમાં કોરોનાનો ફૂંફાડોઃ 3 દિવસમાં 61 પૈકી ભુજમાં 34 કેસ નોંધાયા : કુલ આંકડો 3 હજારને પાર પહોંચ્યો

અબડાસાની પેટાચૂંટણી, દિપોત્સવીના પર્વ અને શિયાળાના પ્રારંભ સાથે કચ્છમાં કોરોનાના વાયરસે ફરી ફૂંફાડો માર્યો

 

અબડાસાની પેટાચૂંટણી, દિપોત્સવીના પર્વ અને શિયાળાના પ્રારંભ સાથે કચ્છમાં કોરોનાના વાયરસે ફરી ફૂંફાડો માર્યો છે. 15 નવેમ્બરે 18, 16 નવેમ્બરે 20 અને આજે 17 નવેમ્બરે 23 કેસ નોંધાવા સાથે પાછલાં ત્રણ દિવસમાં 61 પોઝીટીવ કેસ નોંધાયાં છે. જે પૈકી અડધાથી વધુ 34 કેસ એકલાં ભુજના છે.

છેલ્લાં ત્રણ દિવસ દરમિયાન નોંધાયેલાં કેસના તાલુકા-શહેરદીઠ આંકડા મુજબ ભુજ શહેરમાં 26 અને તાલુકામાં 8 મળી 34 કેસ નોંધાયા છે. નખત્રાણા તાલુકામાં 8, મુંદરા તાલુકામાં 5, રાપર શહેર અને તાલુકામાં બે-બે મળી 4, અબડાસા તાલુકામાં 4, માંડવી શહેરમાં બે અને તાલુકામાં એક મળી 3, ગાંધીધામ શહેરમાં 2 અને અંજાર તાલુકામાં 1 કેસ નોંધાયા છે. આજે નોંધાયેલાં વધુ 23 કેસ સાથે કચ્છમાં અત્યાર સુધી નોંધાયેલાં કુલ કેસનો આંકડો 3 હજારના આંકને વટાવી 3004 પર પહોંચી ગયો છે. જે પૈકી 2680 દર્દી સાજા થઈ ચૂક્યાં છે. હાલ 207 એક્ટિવ પોઝીટીવ કેસ છે. જ્યારે, સત્તાવાર મરણાંક 71 પર પહોંચ્યો છે. દરમિયાન, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ પણ કોરોના સંક્રમિત થયાં છે. જો કે તેમણે કોરોનાના લક્ષણો નહિવત હોવાનું જણાવ્યું છે. પોતાના સંપર્કમાં આવેલા લોકોને તકેદારી રાખવા તેમણે અનુરોધ કર્યો છે.

 

(12:16 am IST)