સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 18th May 2021

પોરબંદરમાં જયેશભાઇ રાદડીયાની મુલાકાત બાદ રાહત લક્ષી કામગીરીમાં વેગઃ હોસ્પીટલોમાં પુરતી દવા ઓકસીજનની વ્યવસ્થા

જીલ્લાના અધિકારીઓ સાથે કેબીનેટ મંત્રીએ સમીક્ષા બેઠક યોજીઃ જરૂરી સુચના આપી

પોરબંદર, તા., ૧૮: જિલ્લામાં રાહતલક્ષી થયેલી પુર્વ કામગીરીનું અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયાએ સુક્ષ્મ નિરીક્ષણ કરીને જીલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. કલેકટર કચેરી ખાતે યોજાયેલ સમીક્ષા બેઠકમાં મંત્રી એ જીલ્લાના અધિકારીઓ દ્વારા વાવાઝોડા સંદર્ભે કરાયેલી કામગીરી અંગે સંતોષ વ્યકત કરતા જણાવ્યું કે પોરબંદર જીલ્લા વહીવટી તંત્રએ સરકારના માર્ગદર્શન હેઠળ યુધ્ધના ધોરણે કામગીરી કરી છે.

આ સ્થિતિએ રાહતલક્ષી કામગીરી કરવી જ આવશ્યક હોય છે. દરીયાકાંઠાના ગ્રામીણ વિસ્તારો, શહેરના નીચાણવાળા વિસ્તારો તથા ખાડી વિસ્તારોમાંથી અસરગ્રસ્તોનું આશ્રય સ્થાનો ખાતે સ્થળાંતર કરીને રહેવા તથા જમવાની વ્યવસ્થા માટે અધિકારીઓએ જહેમત ઉઠાવી અધિકારીઓ, કર્મચારીઓ તથા સાથે સાથે સેવાભાવી લોકો પણ આપતીના સમયમાં સતત ફરજ બજાવી રહયા છે તે અભિનંદનને પાત્ર છે. આ સાથે મંત્રીશ્રીએ જરૂરી સુચનો કરતા જણાવ્યું કે કોવીડ હોસ્પીટલોમાં સારવાર લઇ રહેલા દર્દીઓને જરૂરીયાત મુજબની તમામ સારવાર, દવા, જોઇતુ પુરતુ ઓકસીજન મળી રહે તે માટે કરાયેલી વ્યવસ્થાની પણ સમીક્ષા થઇ હતી.

આ બેઠકમાં રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા, પોરબંદરના ધારાસભ્ય  બાબુભાઇ બોખરીયા, જીલ્લા કલેકટર અશોક શર્મા, જીલ્લા વિકાસ અધિકારી વી.કે. અડવાણી, જીલ્લા પોલીસ વડાશ્રી રવી મોહન સૈની, નિવાસી અધિક કલેકટર રાજેશ તન્ના, અગ્રણી કિરીટભાઇ ઉપસ્થિત રહયા હતા. જીલ્લા પુરવઠા અધિકારી વિવેક ટાંકએ સંભવીત વાવાઝોડાની અસરને પહોંચી વળવા જીલ્લા તંત્ર દ્વારા કરાયેલી કામગીરીનું પ્રેઝન્ટેશન કરાયું હતું.

(12:21 pm IST)