સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 18th May 2021

વાંકાનેરમાં કારખાનાના છાપરા ઉડયા, બેનરો તૂટયા, પાણીના તળાવો ભરાયા, હજુ પણ પવન

(મહંમદભાઇ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧૮: વાંકાનેર-ઢુવા સિરેમીક ઝોન વિસ્તારમાં વેગીલા પવનોને કારણે અનેક કારખાનાઓના છાપરાઓ-બેનરો ઉડયા છે વાંકાનેર હાઇવે પર સ્થિત હ્યુન્ડાઇ કારના વિશાળ બેનરો તુટયા હતા તો હાઇવે નજીક બોર્ડીંગ રોડ પર પાણીના તળાવો ભરાયેલા છે.

વાંકાનેરમાં અન્ય શહેરોની સરખામણીએ નુકશાન જોકે ઓછું થયું છે. રાત્રે બાર વાગ્યા પછી વેગીલા પવનો સાથે ધીમીધારે વરસાદ શરૂ થઇ વહેલી સવારે વારસાદનું જોર વધ્યું હતું. હાલ આ લખાય છે ત્યારે ભારે પવનનું જોર હજુયે યથાવત છે વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે. વેગીલા પવનોને કારણે બજારો સાવ બંધ છે. શહેરમાં મોડી રાત્રે વિજ પુરવઠો ખોરવાયો હતો જે વહેલી સવારે પુનઃ શરૂ થયો હતો.

પાલીકા તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ શહેરના ત્રણેય સ્થળોએ ખોલાયા છે. લુહાણાવાડી, ગર્લ્સ સ્કુલ અને પટેલ વાડીમાં અસરગ્રસ્તો માટે નાસ્તા પાણીની વ્યવસ્થા ઉભી કરાઇ છે. નવાપરા, રામકૃષ્ણનગર સ્થિત વિધાતા સિરેમિકના છાપરા ઉડયા છે જયારે અમુક છાપરા હજુ જોખમ રૂપ સ્થિતિએ લટકી રહ્યા હોઇ, તંત્ર દ્વારા તે છાપરાઓને શેડ અંદર રાખવા સિરેમિક માલિકોને કડક સુચનાઓ અપાઇ છે.

વાંકાનેરમાં કંટ્રોલરૂમના વહીવટી અધિકારીઓની માહિતી મુજબ શહેરમાં મોડી રાત્રીથી વહેલી સવાર સુધી ૧૭ મી.મી. વરસાદ નોંધાયો છે. કોઇ જાનહાની કે નુકશાનીના સમાચારો નથી. વાંકાનેર નગરપાલીકાના ઇન્ચાઝૃ ચીફ ઓફીસર અશોકભાઇ રાવલ અને કંટ્રોલ રૂમના ઇન્ચાર્જ મામલતદાર બી. એસ. પટેલ સતત કાર્યશીલ છે અને તેના સ્ટાફને વાવાઝોડા અંગેની વિવિધ કામગીરીનો સોંપેલ છે. જયારે પીજીવીસીએલના વહીવટી અધિકારીઓ દ્વારા તેના સ્ટાફ અને વાહનો સાથે વાંકાનેર શહેર અને તાલુકામાં નુકશાની થાય તો ત્વરીત પહોંચી વળવા કામગીરી કરી રહ્યા છે.

પીજીવીસીએલના એન્જીનીયરનો ફોન પર સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે વાવાઝોડાના કારણે ફોલ્ટ ઘણા થયા પણ ત્વરીત તેની કામગીરી હાથ ધરવામાં આવેલ. કોઇ મોટી નુકશાનીના અહેવાલ નથી.

(12:33 pm IST)