સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 18th May 2022

મોરબીમાં કાર અકસ્માતના પૈસા આપવાને બદલે કાર માલિકને છરીના ઘા ઝીકાયા

સેલ્ફ ડ્રાઇવિંગમાં ગાડી ભાડે મેળવી અકસ્માત સર્જ્યા બાદ બબાલ

 મોરબીમાં સેલ્ફ ડ્રાઇવિંગથી કાર ભાડે આપતા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ સંચાલકની કાર ભાડે લઈ ગયા બાદ કાર વૃક્ષ સાથે અથડાવી અકસ્માત સર્જનાર મોરબીના શખ્સે કાર માલિકને અકસ્માત નુકશાનીના પૈસા ચૂકવવાને બદલે છરીના ઘા ઝીકી દેતા મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના કંડલા બાયપાસ નજીક ઇન્દ્રપ્રસ્થ નગરમાં રહેતા અને ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરતા દિક્ષીતભાઇ પ્રવિણભાઇ ભાલોડીયા પાસેથી મોરબીના મહેન્દ્રનગરમાં રહેતા હાર્દિકભાઇ બાબુલાલ ફુલતરીયા અને હાર્દિક શાંતિલાલ કકાણીયાએ ગત તા.18 ફેબ્રુઆરીના રોજ ટાટા નેક્ષોન કાર સેલ્ફ ડ્રાઇવિંગથી રાજકોટ જવા ભાડે મેળવી હતી.
બાદમાં બન્ને શખ્સો કાર લઈને આવતા હતા ત્યારે કારને પડધરી નજીક અકસ્માત નડતા કાર ઝાડ સાથે અથડાતા કાર માલિક દિક્ષીતભાઇ પ્રવિણભાઇ ભાલોડીયાએ કારને ગેરેજમાં મુકાવી નિયમ મુજબ સેલ્ફ ડ્રાઇવિંગમાં ગાડી લઇ જનાર હાર્દિકભાઇ બાબુલાલ ફુલતરીયા અને હાર્દિક શાંતિલાલ કકાણીયાને નુકશનના પૈસા આપવા અથવા ગાડી રીપેરીંગ કરાવી આપવા જણાવ્યું હતું.
જો કે અકસ્માત સર્જ્યા બાદ બન્ને શખ્સો ખર્ચ કે રીપેરીંગ અંગે જવાબ ન આપતા ગાડી માલિક દીક્ષિતભાઈએ હાર્દિક શાંતિલાલ કકાણીયાને ફોન કરતા પૈસા આપવાની ના પાડી દેતા દીક્ષિતભાઈએ હાર્દિક ફુલતરિયાને ફોન કરતા તેને મહેન્દ્રનગર ચોકડી પટેલ પાન પાસે રૂબરૂ આવી જવા કહેતા દીક્ષિતભાઈ મિત્ર સાથે ત્યાં જતા હાર્દિક ફુલતરિયાએ છરીના ઘા ઝીકી દેતા આ મામલે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે દીક્ષિતભાઈની ફરિયાદને આધારે આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૪ તથા જી.પી.એકટ ક-૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

(9:59 pm IST)