સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 18th May 2022

કરજણ જળાશય યોજનાની જમણા કાંઠાની નહેરની કામગીરી ધીમી : ખેડૂતોને સિંચાઇના પાણી મળવાની શક્યતાઓ નહિવત

ધાનપોર નહેર પૂર્ણ થાય એવી શક્યતા નથી :બે વર્ષ સુધી ખેડૂતોને સિંચાઈના પાણી મળી શકે તેમ નથી,વાવડી ગોપાલપુરા કરાઠા થરી સુધીની નહેરમાં જુના સ્ટકચરો નવા બનાવવાની જરૂર છે. છતાં જુનાથી ગાડું ગબડાવવામા આવે છે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નાંદોદ તાલુકામાં કરજણ નદી પર કરજણ ડેમ જળાશય યોજનાની જમણા કાંઠાની નહેરની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલે છે. ધાનપોર ગામે જતી નહેરની કામગીરીમાં ધાનપોરના પાટિયા પાસે નહેર બનાવવામાં આવી નથી. અને નહેરની કામગીરી બંધ છે. ભદામ ગામના ભૂરિયા ઢાળો પાસે નહેર બનાવેલી છે પણ ત્યાં ફોરલેન બનવાની કામગીરી ચાલું હોવાથી નહેરની કામગીરી બંધ છે. ધાનપોર નહેરની આ કામગીરી બંધ હોવાથી ભદામ, તોરણા, ટેકરી અને ધાનપોરના ખેડૂતોને સિંચાઈના પાણી મળવાની શક્યતા નથી. નવી ધાનપોર જતી નહેર ધાનપોર સુધી બની ગઇ છે. પણ વચ્ચે નહેરની કામગીરી બંધ હોવાથી ખેડૂતોને સિંચાઈના પાણી મળી શકે તેમ નથી.

 મહત્વની વાત એ છે કે કરજણ ડેમ જળાશય યોજનાની જમણા કાંઠાની નહેરના ધાનપોર નહેરના અધિકારીના અંધેર વહીવટના કારણે ભદામ,તોરણા, ટેકરી, અને ધાનપોરના ખેડૂતોને ચાલું સાલે કરોડો રૂપિયા ખર્ચ કરવા છતાં સિંચાઈના પાણી મળતાં નથી. નહેરોનો ખર્ચ પાણીમાં ગયો છે માટે સત્વરે આ નહેર શરૂ થાય એવી ખેડૂતોએ માંગ કરી છે.
ધાનપોર નહેરમાંથી નહેરનો એક ફાંટો રસેલા ગામ તરફ જતો હતો તેનું નામનિશાન જેવા મળતું નથી,રસેલા ગામના ખેડૂતોને સિંચાઈના પાણી મળવાની કોઈ શક્યતા નથી. આ બાબતે ટૂંક સમયમાં કલેકટરને ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવશે ત્યારે મહત્વની વાત એ છે કે જમણા કાંઠાની રૂઢ માઇનોરની નહેરની કામગીરીમાં ભષ્ટ્રાચાર થયો હોવાની ચર્ચા પણ સંભળાઈ છે ટંકારી વિસ્તારમાં નહેરની કામગીરીમાં ભષ્ટ્રાચાર આચરતાં કોન્ટ્રાકટરો સામે વિરોધ વંટોળ શરૂ થયો હતો. આ નહેરની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલે છે. અને ટંકારી, સોઢલિયા, જીઓર પાટી, કોઠારા,જેસલપુર, રૂઢ ભીલવાડા, નરખડી રૂઢં, પોઈચા,ગામડીરસેલા,બીડ ગામના ખેડૂતોને સિંચાઈના પાણી આવતા વર્ષે પણ નહીં મળી શકે એવી પુરેપુરી શક્યતા જણાઈ છે.
દુઃખની વાત એ છે કે રૂઢ ચોકડી થી પોઇચા જતી નહેર નામશેષ થઈ ગઈ છે. તેનું નામો નિશાન જોવા મળતું નથી.  ફોરલેન બનવાની લ્હાયમાં આ નહેરને તોડીને ફોરલેન બનવાની કામગીરી ચાલું છે ત્યારે પોઇચા, ગામડીના ખેડૂતોને સિંચાઈના પાણી કંઈ રીતે મળશે આ એક સળગતો પ્રશ્ન છે. સરકારનો નહેરો બનાવવાનો
કરોડો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો છે.જેની તપાસ થાય એવી આ વિસ્તારના ખેડૂતોએ માંગ કરી છે.

(10:10 pm IST)