સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 18th June 2021

સુરેન્દ્રનગર જીલ્લામાં પ્રથમ વરસાદમાં ઠેર-ઠેર પાણી ભરાયા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧૮ :  સુરેન્દ્રનગર શહેર સહીત મુળી, સાયલા, ધ્રાંગધ્રા, લીંબડી, લખતર,થાન સહીતના તાલુકાઓમાં ગઈકાલે વરસાદ પડયો છે. આખો દિવસ વાદળછાયુ વાતાવરણ રહ્યા બાદ બપોર પછી વરસાદ વરસતા લોકોએ અસહ્ય બફારામાંથી રાહત મેળવી હતી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ફલડ કંટ્રોલ રૂમનાં જણાવ્યા પ્રમાણે સાંજના ૬વાગ્યા સુધીમાં લખતરમાં સૌથી વધુ ૧૪મી.મી. એટલે કે અડધો ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. મુળી તાલુકામાં ૮મી.મી સાયલા-લીંબડીમાં ૨મીમી વરસાદ નોંધાયો હતો. મુખ્ય માર્ગો  પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા રાહદારીઓ અને વાહનચાલકોને ચાલવામાં મુશ્કેલી પડી હતી. સુરેન્દ્રનગર શહેરમાં  પણ નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. પ્રથમ વરસાદ સાથે પાણી ભરાવવાની સમસ્યા શરૂ થઈ ગઈ હતી હાલમાં પણ વરસાદી માહોલ જામેલો છે.

પ્રથમ વરસાદમાં નાના બાળકો પણ વરસાદમાં નાવા માટે ચારેકોર જોવા મળતા હતા ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ઘણા વર્ષો બાદ ભીમ અગિયારસ છે ખેડૂતો વાવણી કરશે તેવું પણ જાણવા મળી રહ્યું છે ત્યારે હાલમાં સવારથી ફરીવાર તડકો નીકળ્યો છે અને સતત તો ઉકળાટ જોવા મળી રહ્યો છે ત્યારે હજુ પણ સાંજ સુધીમાં વરસાદ આવે તેવી આશા બંધાઈ રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

(12:59 pm IST)