જામનગરમાં આર્મીના ઉમેદવારો ઉપર પોલીસે લાઠીઓ ઉગામવી પડીઃ ટીયર ગેસના સેલ તૈયાર રખાયા'તા
તસ્વીરમાં ઉમેદવારો સામે પોલીસને લાઠીઓ ઉગામવી પડી હતી તેમજ વધુ ઉગ્ર આંદોલન ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અધિકારીઓ પણ નજર રાખી રહયા છે. (તસ્વીરઃ કિંજલ કારસરીયા)
(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., ૧૮: જામનગરમાં આર્મીના ઉમેદવારોની ભરતી રદ કરવા મુદ્દે આક્રોશ વધુ ઘેરો બન્યો છે અને રોષ ઠાલવી રહેલા ઉમેદવારો ઉપર પોલીસને લાઠીઓ ઉગામવી પડી હતી જેથી દોડધામ મચી ગઇ છે.
પ્રાપ્ત માહીતી મુજબ જામનગરમાં મીલ્ટ્રી સ્ટેશન બહાર ફીઝીકલ ટેસ્ટ પાસ કરનાર આર્મીના અસંખ્ય ઉમેદવારો ભરતી રદ કરવા મુદ્દે હોબાળો મચાવવા ઉમટી પડતા દોડધામ થઇ ગઇ હતી.
આ દરમિયાન આર્મી રિક્રુટમેન્ટ ઓફીસ બહાર ઉમેદવારો ઉમટી પડયા હતા અને રજુઆત કરીને પરત ફરતા હતા ત્યારે રસ્તા ઉપર ટ્રાફીકજામ થઇ જતા પોલીસે લાઠીઓ ઉગામવી પડી હતી અને ઉમેદવારોના ટોળા વિખેરવા માટે પ્રયાસ કર્યો હતો. વધુ આક્રમક બનેલા કેટલાક ઉમેદવારો સામે પોલીસે અટકાયતી પગલા પણ લીધા હતા.
હાલમાં મામલો વધુ ઉગ્ર ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આર્મી તથા પોલીસની ટીમોના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે. આર્મીના વાહનો પણ રાખવામાં આવ્યા છે.
આ લખાય છે ત્યારે બપોરે ૧ર.૩૦ વાગ્યે ટોળા વિખેરાઇ રહયા છે તેમ છતાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.