સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 18th October 2021

જશ્ને-ઇદ-એ-મિલાદુન્નબી

ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મહંમદ સાહેબના જન્મનો દિવસ ઇસ્લામ હઝરત મહંમદ સાહેબના જન્મનો દિવસ ઇસ્લામી કેલેન્ડર મુજબ રબીઉલ અવ્વલ મહીનાની બારમી તારીખે અને ઇ. સ. મુજબ સન. પ૭૦ માં એપ્રિલ માસની તેરમી તારીખ અથવા સને. પ૭૧ માં એપ્રિલ માસની બાવીસમી તારીખે આપનો જન્મ થયો.

હિજરી સન અગીયારમાં રબ્બીઉલ અવ્વલ માસની બારમી તારીખ અને ઇ. સ. મુજબની સાલમાં આઠમી જૂને આપ સાહેબ આ જગતથી પર્દાપોષ થયા. રબ્બીઉલ અવ્વલ માસની જે બારમી તારીખે આપનો જન્મ થયો એ જ તારીખે આપ આ જગતથી પર્દાપોષ થયા. સમગ્ર જગતમાં પયગંબર સાહેબનો આ દિવસ કોઇપણ ખૂણો કે દિશા બાકી નહી હોય જયા આ દિવસ મનાવવામાં આવતો નહીં હોય.

કાલીમાર્કસથી માંડી લેનિન અને મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરૂ થી માંડી જયોર્જ ફર્નાડશો જેવી વિશ્વ સન્માનિય વિભૂતીઓ એ હજરત મહંમદ સાહેબના જીવન કવનના વિવિધ પાસાઓ ઉપર પ્રકાશ ફેંકી શાંતિ સમાનતા માનવતા પ્રકાશ પ્રગતી અને ક્રાન્તીના પરિબળ તરીકે આપને બિરદાવ્યા છે. પયગંબર સાહેબના જીવન અને કવનનું મૂલ્યાંકન કરવું હોય તો એ રીતે કરી શકાય આ જગતને તેણે જે ઉચ્ચ મૂલ્યોની ભેટ આપી છે. તે દરેક સમય અને સંજોગોમાં જેટલા એ સમયે ઉપયોગી હતા તેટલા આજે પણ ઉપયોગી છે.

હઝરત મહંમદ સાહેબે આ જગતને જયારે ઇસ્લામનો સંદેશો આપ્યો અને જે મુલ્યો સ્થાપિત કર્યા તેમાં જીવનના તમામ પાસા ઓને આવરી લેવાયા છે. રાજય કરવાથી માંડી વ્યકિતગત જીવનમાં કેમ જીવવા જોઇએ સમાજની સાથે કેવો વ્યવહાર રાખવો જોઇએ વગેરે જીણી જીણી બાબતોમાં પણ તેણે પોતે અમલ કરીને સમાજ સમક્ષ સુંદર દુષ્ટાંત પુરૂ પાડયું છે.

અરબી ભાષામાં પયગંબર સાહેબને રહેમતુલ આલમિન કહેવામાં આવે છે. તેનો અર્થ એ થાય છે કે તેઓ સમગ્ર વિશ્વ માટે કૃપાની દ્રષ્ટિ ધરાવતા હતા તેઓ જે સંદેશો આપતા હતા તે સમગ્ર વિશ્વ માટે બધી જ રાષ્ટ્રીયતાઓ માટે આપતા હતા તેઓ કેવળ અરબસ્તાન માટે કે મુસ્લિમો માટેનાં જ પયગંબર નહોતાં. જો એવું હોત તો તેમને રહેમતુલ લીલ આલમીનના બદલે રહેમતુલ લીલ મુસ્લેમિના કહેવામાં આવત.

આજથી ૧૪૦૦ વર્ષ પહેલા અરબસ્તાનમાં મકકા ખાતે પયગંબર સાહેબનો જન્મ થયો તે સમયે અરબ સમાજ કેવી પરિસ્થિતિમાં જીવતો હતો તે બાબતને ધ્યાને લઇએ તો જ પયગંબર સાહેબના સાચા દર્શન કરી શકાય, તે વખતની પરિસ્થિતિ એવી હતી કે આરબો નાના નાના કબીલાઓમાં વ્હેંચાઇ ગયો હતો અને દરેક કુટુંબ કબીલાનો વડો પોતાને સર્વોપરી માનતો હતો અને પોતાના સર્વોપરીતા માટે અવાર-નવાર ખુંખાર લડાઇઓ લડતા હતા જેમની પાસે વધુમાં વધુ દાસ-દાસીઓ હોય તે પ્રતિષ્ઠિત અને બળવાન ગણાતા લડાઇ ઝઘડા ટંટા ફિસાદ મા જેવો પરાજીત થતા તે કુટુંબ કબીલાઓની સ્ત્રીઓ અને પુરૂષોને વિજેતા કુટુંબ કબીલા વાળા ઉપાડી લાવતા અને તેને દાસ-દાસીઓ બનાવતા અને મન ફાવે તેમ ઉપયોગ કરતાં.

જુદા જુદા પ્રકાર અનેક ત્રાસની વચ્ચે પણ પયગંબર સાહેબે ઉપદેશ આપવાનું કામ અવિરત રીતે ચાલુ જ રાખ્યુ અને ધીમે ધીમે  લોધો પર તેની સારી અસર થવા લાગી અને લોકો આપની વાત સ્વીકારવા લાગ્યા હઝરત ખુદી જ તુલ કુબરા નામના એક શ્રીમંત સન્નારીને આપના આચાર-વિચાર પસંદ પડી ગયા અને તેઓ પયગંબર સાહેબ સાથે લગ્ન ગ્રંથીથી જોડાયા પયગંબર સાહેબ પાસે આવી જે મિલ્કત આપી તે તેમણે જરૂરીયાત વાળા ને આપી દીધી આવતીકાલની ચિંતા તેણે ઇશ્વર પર છોડી દીધી કોઇ મહેમાન કે સાધુ સંત તેમને આંગણે આવતા તો તેમને જમાડતા ભલે ને પછી તેને અપવાસ કરવાનો સમય આવે. અનેક કષ્ટો સહન કરીને પયગંબર સાહેબે ઇશ્વરનો સંદેશો જગતને આપ્યો જે ધીમે ધીમે કરતા સમગ્ર જગતમાં ફેલાઇ ગયો.

જગતના મહામાનવ હઝરત મહંમદ સાહેબની યાદમાં મનાવાતા આ પવિત્ર દિવસે આપણે તેમનો જીવન કવનમાંથી પ્રેરણા લઇ તેમણે સમગ્ર જગતમાં શકય એટલો આચરણમાં મુકવા પ્રયત્ન કરીએ  એજ એ મહાપુરૂષને સાચી શ્રધ્ધાંજલી આપી ગણાશે.

લેખક :

મર્હુમ ગુલામરસુલ કાઝી

આલેખન :-

મ.ઇકબાલ ગુલામરસુલ કાઝી

સાવરકુંડલા

(1:09 pm IST)