સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 19th February 2021

મોરબીમાં ભાજપ નેતાઓને ચુંટણી ગુંડાગીરીથી લડવી છે? મતદારોને જવાબ આપે

કોંગ્રેસ અગ્રણી રમેશ રબારીને ચાબખા

(પ્રવિણ વ્યાસ દ્વારા) તા.૧૯: મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજય ચુંટણી પૂર્વે જ સ્થાનિક રાજકારણ ગરમાયું છે ત્યારે કોંગ્રેસ અગ્રણીએ ભાજપ નેતાઓ, ધારાસભ્ય અને સંસદ સભ્યો પર આકરા પ્રહારો કરી જણાવ્યું છે કે ભાજપ નેતાઓ મતદારોને જવાબ આપે કે ચુંટણી ગુંડાગીરીથી લડવી છે કે સામાન્ય રીતે લોકશાહીને છાજે તેવી રીતે લડવી છે.

મોરબી કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીએ જણાવ્યું છે કે ચુંટણી માહોલમાં ભારે અવ્યવસ્થા, કાયદો અને સલામતીના અભાવે જવાબદાર રાજકીય પક્ષે ગુપ્ત આયોજન તેમજ ગુંડાગીરીનો સહારો લીધેલ હોય મતદારોમાં ભય અને ત્રાસનું વાતાવરણ ઉભું કરી સ્થાનિક અધિકારીઓ સમેત સ્થાનિક નગરપાલિકા અધિકારીઓ દ્વારા ભાજપ સામે ચુંટણી લડતા ઉમેદવારોને માનસિક અને શારીરિક ત્રાસ આપી ચુંટણી મેદાનમાંથી હટાવવામાં આવે છે.

સરકારી તંત્રનો મોટા પ્રમાણમાં દુરુપયોગ કરે છે મારામારી અને હુમલાઓ સામાન્ય બનાવી દેવાયા છે મતદારોમાં મોટો અસંતોષ અને ભયનો માહોલ છે ત્યારે મતદારો આવા જવાબદારો પાસેથી જાણવા માંગે છે કે તમારે કઈ રીતે ચૂંટણી લડવી છે ? તે જાહેર કરો. આ રીતે નિષ્પક્ષ ચુંટણી થઇ સકે જ નહિ વોર્ડ નં ૧ ના કોંગ્રેસ કાર્યકર પર જીવલેણ હુમલો ગંભીર બાબત છે તે રીતે વોર્ડ ૧૩ માં પણ ભયનું વાતાવરણ છવાયેલું છે જે વધુ ના બગડે તે માટે ચુંટણી સંબંધી મહેચ્છા જાહેર કરવી જોઈએ તેમ જણાવ્યું છે.

(11:39 am IST)