સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 19th March 2023

કેન્દ્રિય ગૃહ અને સહકારી મંત્રી અમિતભાઈ શાહ જૂનાગઢમાં: જનહિતના કાર્યોનું લોકાર્પણ-ભૂમિપૂજન 3764 ચોરસ મીટરમાં પ્રાકૃતિક કૃષિ બજારનું નિર્માણ,

ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લી. નું રૂ. 9.85 કરોડના ખર્ચે અદ્યતન સુવિધા સાથેનું નિર્માણ સહિતનાં પ્રોજેકટની નગરજનનોને મળશે ભેટ

જૂનાગઢ: જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા સહિતના ખેડૂતોને ભેટ મળી છે. સક્કરબાગ પાસે સૌરાષ્ટ્ર સિલિકેટ નામે જાણીતી જગ્યામાં 3764 ચોરસ મીટરમાં પ્રાકૃતિક કૃષિ બજારનું નિર્માણ કરવામાં આવશે. અહીંયા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પ્રાકૃતિક ઢબે ઉત્પાદિત ખેત પેદાશનું વેચાણ કરવા માટેનું પ્લેટફોર્મ મળી રહેશે. આમ, પ્રાકૃતિક ખેતીને પણ વેગ મળશે.

શહેરના ઝાંઝરડા રોડ પરના ભીંડી જ્વેલર્સ પાછળની જગ્યામાં ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લી. નું રૂ. 9.85 કરોડના ખર્ચે અદ્યતન સુવિધા સાથેનું નિર્માણ પામનાર ચાર મંજીલા ઈમારતનું કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે. આ ભવનમાં એકાઉન્ટ, લોન બ્રાન્ચ, એટીએમ, 500 લોકોને સમાવી શકવાની ક્ષમતા ધરાવતું ઓડિટોરિયમ સહિતની માળખાગત સુવિધા સાથેનું ભવન નિર્માણ કરવામાં આવશે.

 

કેન્દ્રીય મંત્રીશ્રીના જનહિતના કાર્યોના લોકાર્પણ-ભૂમિપૂજનના સમારોહની સાથે પ્રાકૃતિક કૃષિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 20,000 જેટલા ખેડૂતોની ઉપસ્થિતિમાં અને નિષ્ણાંતો દ્વારા પ્રાકૃતિક કૃષિ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ પ્રસંગે જૂનાગઢ એપીએમસીમાં પ્રાકૃતિક ઉત્પાદનો સહિતના પ્રદર્શનો માટે 20થી વધુ જેટલા સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા.

(4:26 pm IST)