સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 19th May 2021

વેરાવળ ગ્રામ્ય વિસ્તારમાં આંબા, બાજરો, અદડ, મગ, તલ સહિતનાં પાકોને ભારે નુકશાન

પ્રભાસપાટણ તા. ૧૯: વેરાવળ ગ્રામ્ય વિસ્તારમાં ખેડુતોને મોટા પાયે નુકશાન થયેલ છે જેમાં આંબાનાં વૃક્ષો ઉપરથી તમામ કેરીઓ ખરી ગયેલ છે. અને કેરીનો પાક ૧૦૦% નિષ્ફળ ગયેલ છે સાથો સાથે બાજરી, અદડ, મગ, તલ સહિત અને પાકોને પણ નુકશાન થયેલ છે. બાજરાનો પાક સંપૂર્ણ ઢળી ગયેલ છે અને ખેતરોમાં જે પાથરા પડેલા હતા તે પલળી ગયેલા છે.

વેરાવળ કોડીનાર નેશનલ હાઇવે ઉપરનાં અનેક વૃક્ષો ધરાશયી થયેલ છે અને તેથી વહેલી સવારનાં હાઇવે રોડ બંધ થયેલ હતો તેમજ દુકાનોનાં નાના-મોટા છાપરા પણ ઉડી ગયેલ છે આમ આ વિસ્તારમાં વાવાઝોડાએ મોટાપાયે વિનાશ વેરેલ છે.

આંબાનાં બગીચા સહિત અન્ય પાકો લણવાની તૈયારી હતી અને તૈયાર પાકને મોટી નુકશાની થયેલ છે અત્યારે તમામ લોકો કોરોનાં મહામારીનો સામનો કરી રહેલ છે અને તેમાં આ કુદરત થપાટને કારણે લોકો ખૂબજ મુશ્કેલીમાં મુકાયેલ છે.

(11:21 am IST)