સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 19th May 2021

સાવરકુંડલામાં વાવાઝોડાથી ખાનાખરાબીઃ નાવલી નદી બે કાંઠે

કાચા મકાનો તૂટયા-દુકાનોમાં પાણી ફરી વળ્યાઃ માનવ મંદિરમાં વધુ નુકશાન

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા., ૧૯: સાવરકુંડલામાં પવન અને વરસાદ સાથે ત્રાટકેલા ભયંકર વાવાઝોડાએ મોટી ખાના ખરાબી સર્જી છે. રાત્રીના ૪ વાગ્યાથી ભયંકર ઝડપે ફુંકાયેલા પવનને કારણે કુંડલાના પેટ્રોલ પંપ અનેક પતરાના શેડ, મોટા ઝાડ, વિજળીના થાંભલાઓ, કાચા મકાનો તુટી પડયા હતા અને કુંડલાના આંતરીક માર્ગો બંધ થઇ ગયા હતા.

રોડ ઉપર વાયરના ઢગલાઓ પથરાયા હતા જયારે નાવલીમાં પુર આવતા નાવલી બે કાંઠે વહી હતી અને અમુક વેપારીઓની દુકાનમાં પાણી ઘુસી ગયું હતું. મેઇન બજારમાં મોટી નુકશાની થઇ છે. કાણકીયા ચા વાળાની આસપાસની દુકાનોના નળીયા ઉડયા હતા અને હાતીમભાઇના દવાની દુકાન સુધી પાણી પહોંચ્યુ હતું. આ સિવાય કુંડલાના કબ્રસ્તાન, કન્યા છાત્રાલય, વાણીયા છાત્રાલયની દિવાલ તુટી પડી હતી અને અનેક મકાનો ધરાશાયી થયા છે જયારે સૌથી મોટુ નુકશાન માનવ મંદિરને થયું છે.

માનવ મંદિરના મનોરોગીઓને સ્લેબવાળા મકાનમાં પૂ. ભકિતરામ બાપુએ ફેરવ્યા હતા તેમ છતા તેમની બેઠક અને અનાજ કરીયાણાના સ્ટોર રૂમમાં વાવાઝોડાએ ખાનાખરાબી સર્જી હતી. માનવ મંદિરના અનેક શેડ પણ ઉડાળ્યા હતા. કુંડલામાં કરોડોની નુકશાની સર્જાયાનું જાણવા મળ્યું છે.

(1:10 pm IST)