સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 19th June 2021

જેતપુર-જામકંડોરણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના રોડ -પુલિયાના અંદાજીત રૂ.૧૧.૪૩ કરોડના કામો મંજૂર કરાવતા જયેશભાઇ રાદડીયા

જેતપુર-જામકંડોરણા-ધોરાજી, તા.૧૯: મતવિસ્તારના સરપંચો, આગેવાનો અને પદાધિકારીઓની રજૂઆતોને ધ્યાને લઇ ગ્રામ્ય વિસ્તારોના રોડ રસ્તાઓના સુદ્રઢીકરણ માટે ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાએ બેનમૂન કામગીરી કરી છે.

યુવા મંત્રી જયેશભાઇ રાદડીયા દ્વારા પ્રજાની સુખાકારી માટે સતત કાર્યરત રહી કરાયેલ અથાક પ્રયત્નોના પરિણામે રાજય સરકાર દ્વારા જેતપુર- જામકંડોરણા તાલુકાના પાંચ જેટલા રસ્તાઓના નવિનીકરણ માટે અંદાજીત રૂ.૧૦.૭૦ કરોડના ખર્ચે નવિનીકરણ કરવા જયેશભાઇ રાદડીયાની રજૂઆતના પગલે સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા જરૂરી મંજૂરી આપવામાં આવેલ છે.

વધુમાં વર્ષાઋતુ દરમ્યાન પાણીના વહેણના પ્રશ્નોથી થતી વાહન વ્યવહારની સમસ્યા અંગે પ્રજાની ચિંતાનો પડઘો પાડતી રજૂઆત ધ્યાને લઇ રાયડીના પાટીયાથી ઇશ્વરીયા/નાના દુધીવદર રોડને અંદાજીત રૂ.૪૭.૦૦ લાખના ખર્ચે તથા નાના દુધીવદરથી ફોફળ-૧ સિંચાઇ રસ્તા પરના કોઝવે કામના રૂ.૨૫.૫૦ લાખ ખર્ચે કુલ મળીને રૂ.૭૨.૫૦ લાખના કામો મંજૂર કરવાની જયેશભાઇ રાદડીયાની રજૂઆતના પગલે સરકારશ્રીના સિંચાઇ વિભાગ દ્વારા જરૂરી મંજૂરી આપવામાં આવેલ છે.

જેતપુર નગરપાલિકાના રોડ-રસ્તાઓના આધુનીકરણ બાદ ગ્રામ્ય વિસ્તારના રોડ -રસ્તા, પુલ, નાલિયાના સુદ્રઢીકરણ અંગેની જયેશભાઇ રાદડીયાની સફળ રજૂઆતના પગલે ગ્રામ્ય વિસ્તારના સરપંચો, આગેવાનો અને પદાધિકારીઓ દ્વારા મંત્રીશ્રીની જાગૃત ધારાસભ્ય તરીકેની કામગીરીને બિરદાવેલ છે.

(10:35 am IST)