સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 19th June 2021

જયેશ પટેલનું વર્ષ ૨૦૨૨માં લંડનથી પ્રત્યાપર્ણ શક્ય બનશે

જામનગરના એડવોકેટ કિરિટ જોષીની હત્યા કેસમાં વોન્ટેડ : યુકેની કોર્ટમાં તેની સામેના પહેલા કેસની સુનાવણી પણ ૨૫ જાન્યુઆરી ૨૦૨૨થી શરૂ થશે, તે પછી વધુ કાર્યવાહી

લંડન, તા.૧૯ : જામનગરના કુખ્યાત ભૂમાફિયા અને એડવોકેટ કિરિટ જોષીના મર્ડર કેસમાં વોન્ટેડ એવા જયેશ પટેલના પ્રત્યાર્પણ અંગે યુકેની કોર્ટ છેક ૨૦૨૨માં સુનાવણી કરશે. લંડનની વેસ્ટમિનિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે, આ મામલે ૨૬ મેથી ૧૭ જુનના ગાળામાં ડિસ્ટ્રિક્ટ જજ એલિસન ગ્રિફિથ્સ દ્વારા સુનાવણી હાથ ધરાશે.

૪૧ વર્ષના જયેશ પટેલને ભારત લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે. તેના પર વકીલ કિરિટ જોષીનું મર્ડર કરાવ્યાનો આરોપ છે. યુકેની કોર્ટમાં તેની સામેના પહેલા કેસની સુનાવણી પણ ૨૫ જાન્યુઆરી ૨૦૨૨થી શરુ થશે.

પોતાના પ્રત્યાર્પણ અંગેની તાજેતરમાં હાથ ધરાયેલી કોર્ટની કાર્યવાહીમાં જયેશ પટેલ સાઉથ-ઈસ્ટ લંડનની બેલમાર્શ જેલમાંથી વિડીયો કોન્ફરન્સ દ્વારા હાજર રહ્યો હતો. કોર્ટની કાર્યવાહીનું ગુજરાતીમાં ભાષાંતર કરવામાં આવ્યું હતું.

જામનગરના એડવોકેટ કિરિટ જોષીએ પોતાના અસીલો વતી જયેશ પટેલ સામે જમીન પચાવવાના એક પછી એક કેસ કર્યા હતા. ૨૮ એપ્રિલ ૨૦૧૮ના રોજ તેમની ઓફિસ નજીક જ તેમની ચાકૂના ઘા મારીને હત્યા કરાઈ હતી. ત્યારબાદ જયેશ ફેક પાસપોર્ટ પર દુબઈ ભાગી ગયો હતો. તે વાયા દુબઈથી જ લંડનમાં પ્રવેશ્યો હોવાનું પોલીસનું માનવું છે.

લંડનમાં રહીને પણ તે ખંડણીનું રેકેટ ચલાવતો હતો. જેના માટે તે ત્યાંથી ફોન કરતો હતો, અને તેના આધારે જ તેનું લોકેશન ટ્રેસ થયું હતું. ૧૬ માર્ચના રોજ તેની યુકેના સટનમાંથી ધરપકડ કરાઈ હતી. તેની વિરુદ્ધ ભારત સરકાર દ્વારા તે જ દિવસે ઈન્ટરનેશનલ વોરન્ટ પણ જાહેર કરવામાં આવ્યું હતું.

જયેશ પટેલ વિરુદ્ધ ૪૦થી વધુ કેસ નોંધાયેલા છે, જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ, બોગસ દસ્તાવેજ ઉભા કરવા, ખંડણી ઉઘરાવવાથી લઈને મિલકતો પચાવી પાડવાના આરોપોનો સમાવેશ થાય છે. તે મોટાભાગે બિલ્ડરોને જ પોતાના નિશાન બનાવતો હતો. જયેશને જો જામીન મળે તો તે નાસી જાય તેમ હોવાથી તેને યુકેની સરકાર દ્વારા જેલમાંથી જામીન પર છોડવામાં પણ નથી આવ્યો. તેના વિરુદ્ધ ઈન્ટરપોલ દ્વારા કાઢવામાં આવેલી રેડ કોર્નર નોટિસમાં પણ જણાવાયું છે કે આરોપી મર્ડર સહિતના ગંભીર ગુનામાં વોન્ટેડ છે.

(7:17 pm IST)