સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th January 2022

આત્મા પ્રોજેકટ દ્વારા ખેડૂત દંપતિઓને પ્રાકૃતિક કૃષિની તાલીમ અપાઇ

મીઠાપુરના ૯૦ જેટલા ખેડૂત દંપતિઓ જોડાયા

જૂનાગઢ,તા.૨૦: ગુજરાત રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા આત્મા પ્રોજેકટ મારફત પ્રાકૃતિક કૃષિ માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં અંદાજીત ૧૨૦૦૦ ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતી કરવામાં આવી રહી છે અને આત્મા પ્રોજેકટ જૂનાગઢ દ્વારા પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગ મળે તે માટે નવીનતમ પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે અને ખેડૂતોને તેમની પ્રાકૃતિક કૃષિ પેદાશોના સારા ભાવ મળે તે અંતર્ગત સરદારબાગ ખાતે પ્રાકૃતિક કૃષિ હાટ ચલાવવામાં આવે છે. જેમાં દર રવિવારે પ્રાકૃતિક કૃષિ પેદાશનું વેચાણ કરી રહ્યા છે અને જૂનાગઢ શહેરના લોકોને શુદ્ઘ પ્રાકૃતિક કૃષિ પેદાશો આપવાનું કામ કરી રહ્યા છે.

ગામના તમામ ખેડૂતો સામુહિક રીતે પ્રાકૃતિક ખેતી કરે તેવા અભિગમ સહ આત્મા પ્રોજેકટના પ્રોજેકટ દ્રવારા મેંદરડા તાલુકાના મીઠાપુર ખાતે એક વિસસીય તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ગામના ૯૦ જેટલા ખેડૂત દંપતીઓ દ્વારા ભાગ લેવામાં આવેલ હતો. જેનો હેતુ ખેડૂત દંપતીને સાથે તાલીમ આપવાથી ઝડપથી ખેડુતો દ્વારા પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય તેવો હતો તથા તાલીમમાં ગામના આગેવાનોને પણ સાથે રાખવામાં આવેલ હતા. જેમાં ગામના સરપંચ બાબુભાઈ ત્રાડા,ગૌશાળા પ્રમુખ જગદીશભાઈ વદ્યાસીયા,પટેલ સમાજના પ્રમુખ અરવિંદભાઈ સુવાગીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

પ્રાકૃતિક કૃષિ તાલીમની શરૂઆત ગૌ પુજનથી કરવામાં આવેલ હતી અને તાલીમમાં પ્રાકૃતિક કૃષિ પર ડો.રમેશભાઈ સાવલિયા અને હેમલ મહેતા દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ હતું. પ્રાકૃતિક કૃષિ કરવા માટે મહત્વના પાસા જીવામૃત, બીજમૃત, મિશ્ર પાક પદ્ઘતિ, આછાદન અને વાપસા વિષય પર ઉડાણ પૂર્વક સમજ આપવામાં આવેલ તાલીમ શિબિર દરમિયાન ખેડૂતોને પડતી મુશ્કેલીની ચર્ચા કરવામાં આવેલ અને તેમના સમાધાન માટે સૂચનો પણ કરવામાં આવેલ હતા. ગામ લોકો તાલીમથી પ્રભાવિત થઇ પ્રાકૃતિક કૃષિના પ્રગતિશીલ ખેડૂતો મીતેશભાઇ દુધાત્રા તથા નરેશભાઈએ જણાવ્યું હતં કે,આગામી સમયમાં મીઠાપુર ગામમાં આવેલ તમામ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળશે અને પ્રાકૃતિક કૃષિ માટે સચોટ ઉદાહરણ પુરૂ પાડશે. આમ આત્મા પ્રોજેકટ ડેપ્યુટી પ્રોજેકટ ડાયરેકટર ડો.હાર્દિક લખાણી દ્વારા આ તકે ઉમેર્યું હતું કે,આખું ગામ પ્રાકૃતિક કૃષિ અપનાવે તો રાજયમાં મોડલ ગામ તરીકે પ્રસ્થાપિત થાય અને જિલ્લાના અન્ય ગામના રસાયણિક ખેતી કરતા ખેડૂતોને ગામમાં પ્રવાસ માટે લાવી પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવાની કામગીરી કરી શકીશું તથા એગ્રો ટુરીઝમ અને ફેમીલી ફાર્મરના કોન્સેપ્ટ પર આગળ કામગીરી કરી ખેડૂતોની આવકમાં વધારો થઇ શકે અને આત્માનિર્ભર ભારત માટે આત્મ નિર્ભર ગામ બનાવી શકીશું.

(10:09 am IST)