સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th January 2022

5Gની સાથે છેવાડાના સરહદી વિસ્તાર સંદેશા વ્યવહારનું મજબૂત નેટવર્ક ગોઠવાય તે માટે કેન્દ્ર સરકાર પ્રયત્નશીલ : દેવુસિંહ ચૌહાણ

કચ્છ ચેમ્બર દ્વારા ભુજ મધ્યે કેન્દ્રીય રાજયમંત્રી દેવુસિંહ ચૌહાણનું સન્માન : મંત્રી દેવુસિંહે ભુજ આકાશવાણીમાં ફરજ બજાવતા હતા તે સંસ્મરણો વાગોળ્યા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૦ : ભુજ ખાતે ધી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ કચ્છના ઉપક્રમે કેન્દ્રિય સંચાર રાજયમંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણનું વકતવ્ય તેમજ સન્માન સમારોહ યોજાયો હતો. આ તકે 'લાસ્ટ માઈલ કનેકટીવીટી' વિષય પર વકતવ્ય આપતાં કેન્દ્રિય સંચાર રાજયમંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, આજના યુગમાં કનેકટીવીટીનું ખુબજ મહત્વ છે. આધુનિક યુગમાં ઈન્ટરનેટનું મહત્વ સમજાવતા તેમણે જણાવ્યું હતું કે, આપણો દેશ લોકશાહી દેશ છે. લોકશાહીને ટકાવી રાખવા માટે છેવાડાના માનવી સુધી કનેકટીવીટી જરૂરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં 5G ટેકનોલોજી કાર્યરત કરવા ભારત સરકાર સતત પ્રયત્નશીલ છે.

આ તકે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશની પશ્ચિમ કચ્છ સરહદે ફરજ બજાવતાં સૈનિકો સુધી કનેકટીવીટી સુદ્રઢ બને તે અત્યંત જરૂરી છે તે માટેની ઝડપી કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં તેમણે કચ્છની વિવિધ માગો પર સકારાત્મક પ્રતિસાદ આપતા જણાવ્યું હતું કે, હવાઇ, રેલવે, વગેરે વધુ ઝડપી સેવા માટે કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો સાથે ચર્ચા વિચારણા કરી ઝડપી કાર્યવાહી કરવામાં આવશે.

આ તકે વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, કચ્છ માટે આજનો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે. રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે નર્મદાના વધારાના વહી જતાં એક મિલિયન એકર ફુટ પાણી કચ્છ જિલ્લા માટે ફાળવવાની રૂ.૪૩૬૯ કરોડની યોજનાને વહીવટી મંજુરી આપવા બદલ રાજય સરકારનો આભાર માન્યો હતો. તેમણે વધુમાં કચ્છને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપલબ્ધ કરાવવા માટે કેન્દ્રિય મંત્રીશ્રીને અનુરોધ કર્યો હતો.

આ તકે પૂર્વ રાજયમંત્રી અને અંજાર ધારાસભ્ય વાસણભાઇ આહિરે કચ્છે પ્રવાસન ક્ષેત્રે કરેલ વિકાસની વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ધોળાવીરા, જેસલ તોરલ સમાધી અંજાર, માતાનો મઢ, વગેરે સ્થળોને પ્રવાસન કેન્દ્રો તરીકે વિકાસ કરવા સરકાર ખુબજ પ્રયત્નશીલ છે.આ તકે તેમણે ચેમ્બરની વિવિધ પ્રવૃતિઓને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે, કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝે કચ્છના વિકાસમાં ખુબજ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. સ્વાગત પ્રવચન ધી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ કચ્છનાં ચેરમેન રાજેશભાઇ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે ચેમ્બરના એકઝીકયુટીવ કર્નલ જોહરે ચેમ્બરની વિવિધ પ્રવૃતિઓ વિશે વાત કરી હતી. આ તકે કેન્દ્રિય મંત્રી દેવુસિંહ ચૌહાણનું વિવિધ સંસ્થા, સમાજ તેમજ સંગઠનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમ્યાન પોતે ભુજ આકાશવાણીમાં કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા તે સમયના સંસ્મરણો કેન્દ્રીય રાજય મંત્રી દેવુસિંહ ચૌહાણે વાગોળ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, ધારાસભ્ય સર્વશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, તેમજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ કચ્છના હોદેદારો, સભ્યો ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમનું સંચાલન પંકજ ઝાલાએ કર્યુ હતુ.

(10:11 am IST)