સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th January 2022

રાજુલાના ચાંચબંદરે ફિશિંગ જેટી બનાવો : બાઢડા - થોરડી રસ્તાનું કામ શરૂ કરો

જીતુભાઇ ચૌધરી અને પૂર્ણેશભાઇ મોદીને પત્ર પાઠવીને કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશભાઇ ડેરની રજૂઆત

રાજુલા તા. ૨૦ : રાજુલાના કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશભાઇ ડેરે રાજ્યના કલ્પસર અને મત્સ્યોદ્યોગ (સ્વતંત્ર હવાલો) નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠો (રાજ્યકક્ષા)ના મંત્રી જીતુભાઇ ચૌધરીને પત્ર પાઠવીને રાજુલા તાલુકાના ચાંચબંદર ગામે ફિશિંગ જેટી (ધક્કો) બનાવવા માંગણી કરી છે.

અંબરીશભાઇ ડેરે વધુમાં જણાવ્યું છે કે, રાજુલા તાલુકાનું ચાંચબંદર દરિયાય પટ્ટી ઉપર આવેલું ગામ છે જ્યાં આજુબાજુમાં અરબી સમુદ્ર ઘૂઘવાટા મારે છે. આ ગામના લોકો મુખ્યત્વે મજુરી સાથે સંકળાયેલા લોકો છે અને મજુરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. વર્ષો પહેલા GHCL કંપનીના લીધે ૮ થી ૧૦ હજાર લોકોને રોજગારી મળતી હતી પરંતુ સમય જતા મશીનરીના ઉપયોગને લીધે ધીમે-ધીમે સ્થાનિક લોકોની રોજગારી ઘટતી ગઇ અને લોકો બેરોજગાર બનવા લાગ્યા અને મજુરી પર નભતા થયા.

ચાંચબંદરનો દરિયો સારી ઊંડાઇ ધરાવે છે માટે તેના કિનારે ફિશિંગ જેટી (ધક્કો) બનાવવામાં આવે તો સ્થાનિક લોકો માછીમારી દ્વારા રોજગારી પ્રાપ્ત કરી શકે તેમ છે અને અહીં વસતા અને સામાન્ય જીવન જીવતા લોકોની રોજીરોટી માટે ઘણું સારૂ થઇ શકે. અહીં સરકારી આલ્કોક એશડાઉન કંપની પણ આવેલી હોય જો ચાંચબંદર ગામે ફિશિંગ જેટી (ધક્કો) બનાવવામાં આવે તો આ વિસ્તાર માટે આ વિસ્તારના લોકો માટે ખૂબ જ લાભદાયક બાબત સાબિત થશે તેમ જણાવ્યું છે.

આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશભાઇ મોદીને પત્ર પાઠવીને બાઢડા - થોરડી - રાજુલા રોડનું કામ શરૂ કરવા માંગ કરી છે.

અંબરીશભાઇ ડેરએ વધુમાં જણાવ્યું છે કે, બાઢડા - થોરડી - રાજુલા રોડ જે સરકારશ્રી દ્વારા પ્રગતિપથ જાહેર થયેલ છે, જે ભાવનગર - સોમનાથ નેશનલ હાઇવેને અને જિલ્લા મથક એવા અમરેલીને જોડતો મુખ્ય રાજ્ય રસ્તો છે, તેમજ આ રસ્તા ઉપર આ વિસ્તારની પીપાવાવ પોર્ટ, સ્વાનએનર્જી, સિન્ટેકસ, અલ્ટ્રાટેક સિમેન્ટ, નર્મદા સિમેન્ટ ફેકટરી જેવી મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝના હેવી વ્હીકલનો વાહન વ્યવહાર ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે. આ હિંડોરણા - રાજુલા - બાઢડા - થોરડી રોડ માટે વખતો-વખતની રજૂઆતને લીધે તા. ૧૮-૨-૨૦૧૯ના પત્રથી સરકાર દ્વારા પ્રગતિપથ હેઠળ ૫૨૦૦.૦૦ લાખ અને તા. ૨૯/૧/૨૦૨૦ના પત્રથી રિસરફેસ કરવા માટે સરકારશ્રી દ્વારા ૧૯૪૭.૦૦ લાખની સૈધ્ધાંતિક / વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે તેની ટેન્ડરીંગ પ્રક્રિયા પણ પૂર્ણ થઇ ગઇ હોવા છતાં રોડનું કામ શરૂ કરવામાં આવતું નથી, માટે જો આગામી એક અઠવાડિયામાં જો કામ શરૂ કરવામાં નહિ આવે તો ઉપવાસ આંદોલન કરીશું તેવી ચિમકી અપાઇ છે.(

(10:43 am IST)