સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th January 2022

વંથલીમાં સેંદરડામાં ડબલ મર્ડરમાં ૪ની અટકાયત

દંપતિની હત્‍યા અને ૭ લાખની લૂંટમાં ૩ ને કાલાવડથી અને એકને વડોદરાથી ઉઠાવી લેવાયો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૦: વંથલીનાં ખેડુત દંપતીની હત્‍યા અને લુંટની સનસનાટીપૂર્ણ ઘટનામાં પોલીસની મહત્‍વની સફળતા સાંપડી હોવાનું અને ચાર શખ્‍સોની અટકાયત કરી પુછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.
જુનાગઢ જિલ્લાનાં વંથલી તાલુકાનાં સેંદરડા વાડી વિસ્‍તારમાં રહેતા રાજાભાઇ દેવદાનભાઇ જીલડીયા અને તેમના પત્‍ની જાલુબેનની હત્‍યા કરી તેમજ રૂા. ૭ લાખની માલમતાની લૂંટ ચલાવીને અજાણ્‍યા શખ્‍સો ફરાર થઇ ગયા હતા.
આરોપીઓને પકડવા માટે એસ.પી. રવિતેજા વાસમ શેટ્ટી દ્વારા પોલીસની સાત ટીમો બનાવીને આરોપીઓનું પગેરૂં દબાવતા જુદી-જુદી દિશામાં તપાસ શરૂ કરવામાં આવી હતી.
દરમ્‍યાન જાણવા મળ્‍યા મુજબ વૃધ્‍ધ ખેડુત દંપતિની હત્‍યા તેમજ લુંટની ઘટનામાં પોલીસે ૪ શખ્‍સોની અટકાયત કરીને મહત્‍વની સફળતા હાંસલ કરી હોવાનું જાણવા મળેલ છે.
વધુમાં પ્રાપ્‍ત વિગતો મુજબ આ શખ્‍સોમાં ત્રણ ઇસમોને કાલાવડ ખાતેથી અને એક શખ્‍સને વડોદરાથી ઉઠાવી લાવી પુછપરછ હાથ ધરી હોવાનું પણ જાણવા મળેલ છે.
એમ પણ જાણવા મળેલ છે કે, આ શખ્‍સો ગોધરા તરફનાં છે અને આ ઇસમો પૈકી એક શખ્‍સ મૃતક દંપિની વાડી આસપાસ ટ્રેકટર ચલાવતો હતો અને તેની બાતમીનાં આધારે લુંટનો પ્‍લાન બનાવવામાં આવ્‍યો હોવાનું પણ ચર્ચાય છે.
કથિત રીતે અટકાયત થયેલા શખ્‍સોની અટકાયત અંગે સતાવાર માહિતી પ્રાપ્‍ત થઇ ન હતી આ અંગે સતાવાર વિગતો માટે વરિષ્‍ઠ પોલીસ અધિકારીઓનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ અકિલાએ કર્યો હતો, પરંતુ તમામનાં મોબાઇલ ફોન રીસીવ થયા ન હતા.

 

(11:19 am IST)