સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th January 2022

પોરબંદરના રાતડીની ર.૧૧ કરોડની ખનીજ ચોરીમાં ૧૧ શખ્સો સામે પોલીસ ફરીયાદ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ર૦ :.. તાલુકાના રાતડી સીમમાં ર.૧૧ કરોડની ખનીજ ચોરી અંગે ૧૧ શખ્સો સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

બે માસ પહેલા કલેકટરની સુચનાથી તંત્ર દ્વારા રાતડી ગામે ગેરકાયદેસર ખાણો પર મેગા ઓપરેશન હાથ ધરાયુ હતું. જેમાં રપ જેટલી ચકરડી, ૮ ટ્રેકટર, ૩ ટ્રક અને ર લોડર મશીન સહિતનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ખનીજ ચોરોને દંડ ફટકારવામાં આવ્યો હતો. પરંતુ દંડની રકમ ન ભરતા ખાણ ખાનીજ ખાતાના રોયલ્ટી ઇન્સ્પેકટર ભાવેશકુમાર સાધુએ મીંયાણી મરીન પોલીસ મથકમાં પોલીસ ફરીયાદ નોંધાવી છે.

આ પોલીસ ફરીયાદમાં જણાવેલ છે કે અગાઉ તંત્ર દ્વારા પાડવામાં આવેલ દરોડામાં તપાસ હાથ ધરતા કુલ ત્રણ જગ્યાએથી ખનન થયું હોવાનું બહાર આવ્યું હતું. જેમાં ખાન નાગાજણ ભુરા મોઢવાડીયા, રામ કરશન મંડેરા, રામ જખરા ભૂતિયાની માલિકીની હતી. જયારે બીજી ખાણ પરબત રામ મોઢવાડીયા, આતિયા મેરામણ ખુંટી, ભીમા મેરામણ, ખૂંટી, લીલા મેરામણ ખુટીની હતી. ત્રીજી ખાણ વિજય મગન રૂપારેલ, જસ્મીન મગન રૂપારેલ, અતુલ મગન, રૂપારેલ અને કાંધા ગીંગા મોઢવાડીયાની માલિકીની હતી.

આ ત્રણે જગ્યાએ ગેરકાયદેસર ખનન થતું હોવાનું જણાતા ખાણ ખનીજ ખાતાએ તેઓને નોટીસ મોકલીને સમાધાન માટે દંડની રકમ ભરવા જણાવ્યું હતું. કારણદર્શક નોટીસથી દંડ ભરવાનું જણાવાયું હોવા છતાં તેઓએ દંડ ભર્યો ન હતો. જેથી પોલીસે આ બનાવમાં કુલ ૧૧ શખ્સો સામે નામજોગ ગુન્હો નોંધ્યો છે. જેમાં રાતડીના નાગાજણ ભુરા મોઢવાડીયા, પોરબંદરના મીલપરા શેરી નં. ૯ માં રહેતા આશીષસિંહ પ્રવિણસિંહ રાઠોડ, ભારવાડાના લખમણ વેજાણંદ રાણાવાયા, પોરબંદર ઠકકર પ્લોટમાં રહેતા અતુલ મગન રૂપારેલ ઉપરાંત રાતડીના પરબત રામ મોઢવાડીયા, આતીયા મેરામણ, ખુંટી, ભીમા મેરામણ ખુંટી, લીલા મેરામણ ખુંટી, વિજય મગન રૂપારેલ, જસ્મીન મગન રૂપારેલ તથા કાંધા ગીગા એમ ૧૧ શખ્સો સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

આ ૧૧ શખ્સોએ બિલ્ડીંગ સ્ટોનની ચોરી કરી છે. જેની કિંમત બે કરોડ ઓગણીસ લાખ નેવ્યાસી હજાર પાંચસો ત્રણ થાય છે. 

(1:18 pm IST)