સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th January 2022

પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલા મેળાવડો ગીર સોમનાથ જિલ્લામાં મહામારી પ્રસરાવશે ?

અત્યારથી જ પોલીસ કર્મચારીઓ, તંત્રના જુદા જુદા અધિકારીઓ અને કર્મચારીઓના ધામાઃ ભોજન સમારંભોમાં સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા. ૨૦ :. ગીર સોમનાથ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવશે. જેની છેલ્લા ઘણા દિવસોથી તડામાર તૈયારીઓ થઈ રહી છે. જુદા જુદા વિસ્તારોમાંથી સરકારી કર્મચારીઓ અને પોલીસ ટીમનું આગમન થઈ ગયુ છે ત્યારે કોરોના મહામારીના સમયમાં વધુ મેદની ઉમટી પડશે તો કોરોના વધુ પ્રસરવાની શકયતા દેખાઈ રહી છે.

પ્રજાસત્તાક પર્વની દેશદાઝ સાથે ઉજવણી કરવી જોઈએ પરંતુ આ વખતે કોરોના વધુ પ્રસરતા અને ગીર સોમનાથ જિલ્લામાં પણ દરરોજ અસંખ્ય કેસ કોરોના તથા તાવ, શરદી, ઉધરસના આવતા હોય આ અંગે રાજ્ય સરકારે ફેરવિચારણા કરવી જોઈએ.

પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીની તૈયારી માટે છેલ્લા ઘણા દિવસોથી જુદા જુદા વિસ્તારોમાં બહારથી પોલીસ કર્મચારીઓ તથા રાજય સરકારના અધિકારીઓ અને કર્મચારીઓનું આગમન થઈ ગયુ છે.

જેના માટે સદભાવના ગ્રાઉન્ડ ખાતે તથા ગીર સોમનાથની જુદી જુદી હોટલોમાં વ્યવસ્થા કરવામાં આવી છે. સદભાવના ગ્રાઉન્ડ ખાતે દરરોજ પોલીસ કર્મચારીઓ માટે બપોરે અને સાંજે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવે છે જ્યાં સોશ્યલ ડીસ્ટન્સ અને માસ્કના નિયમોનો ભંગ થતો હોવાનું પણ ચર્ચાય રહ્યુ છે.

આ કાર્યક્રમ માટે જુદા જુદા વિસ્તારોમાંથી સફાઈ કામદારોને પણ બોલાવવામાં આવ્યા છે ત્યારે ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાંથી આવતા લોકોના કારણે મહામારી વધુ પ્રસરે તેવી ચિંતા ફેલાય છે.

પ્રભાસપાટણ પોલીસ સ્ટેશનમાં ૭ જેટલા કર્મચારીઓને કોરોના પોઝીટીવ આવ્યો છે. જો આમને આમ ચાલ્યુ તો કોરોના વધુને વધુ પ્રસરતો જશે. ત્યારે વધુ કેસ ન પ્રસરે તે માટે અમુક પોલીસ કર્મચારીઓને પરત પોતાના ફરજના સ્થળે મોકલી દેવા અંગે પણ ચર્ચા-વિચારણા થઈ રહી છે.

(12:47 pm IST)