સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th January 2022

કોટડા-સાંગાણી પાસે પીપલાણા ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં ફર્નિચરના કારખાનામાં ભીષણ આગ : ૩૫ લાખનું નુકસાન

આગ કારખાનાના કલર યુનિટમાં લાગી : કલર અને થીનરના ડબ્બા, ચાર કબાટ બળી ગયા અને ૩૫૦ જેટલા કબાટને નુકસાની : વાયરીંગમાં શોટ સર્કિટ થતા આગ લાગી હોવાનું તારણ

રાજકોટ તા. ૨૦ : કોટડાસાંગાણી નજીક પીપલાણા જે.કે.ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં આવેલા ફર્નિચરના કારખાનામાં એકાએક આગ લાગતા ફાયરબ્રિગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી.

મળતી વિગત મુજબ કોટડાસાંગાણી નજીક પીપલાણા જે.કે.ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં લાકડાના કબાટ બનાવવાના શિવમ સ્ટીલ ડેકોર નામના કારખાનામાં વહેલી સવારે એકાએક આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. કારખાનાની બાજુમાં રહેતા ૧૫ જેટલા કારીગરો તાકીદે દોડી આવ્યા હતા અને તાકીદે પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગે વિકરાટ સ્વરૂપ ધારણ કરતા રાજકોટ ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયરબ્રિગેડ સ્ટાફે તાકીદે એક ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં કરી હતી. બનાવની જાણ કરતા રાજકોટ રહેતા કારખાનાના માલીક ભાવેશભાઇ શીંગાળા તાકીદે સ્થળ પર દોડી ગયા હતા.

આગ કારખાનાના કલર યુનિટમાં લાગી હતી ત્યાં કલર કરવા માટે પડેલા લાકડાના ચાર કબાટ બળી ગયા હતા અને અંદાજે ૩૫૦ જેટલા કબાટને નુકસાની થઇ હતી તેમજ દસથી વધુ કલરના નાના કેરબા તેમજ થીનરના કેરબા બળી ગયા હતા. ઇલેકટ્રીક વાયરીંગ, ૧૦ જેટલા પંખા તેમજ શેડમાં પણ નુકસાની થઇ હતી. આગમાં અંદાજે ૩૫ લાખનું નુકસાન થયું હોવાનું કારખાનાના માલિકે જણાવ્યું છે.

(12:48 pm IST)