સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th January 2022

પાકિસ્તાનની જેલમાંથી ૨૦ ભારતીય માછીમારો મુકત : ૨૪મીએ વાઘા બોર્ડર પહોંચશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૨૦ : જખૌ જળ સીમાએ પાકિસ્તાન મરીન સિકયુરીટી દ્વારા જે તે સમયે ફિશીંગ બોટો સાથે ઝડપાયેલ ભારતીય માછીમારોને કરાચી જેલમાં મોકલાય છે. જેમાંથી ૨૦ ભારતીય માછીમારોની સજા પૂર્ણ થતાં તેઓને છોડી મુકાયા છે. આ મુકત ભારતીય માછીમારો ૨૪મી જાન્યુઆરીએ વાઘા બોર્ડર પહોંચશે.

પાકિસ્તાન જેલમાંથી મુકત કરાયેલા ૨૦ ભારતીય માછીમારો ૨૪મીએ વાઘા બોર્ડર પહોંચ્યા બાદ તેમને ભારત સરકારને સોંપી દેવાશે. વાઘા બોર્ડરથી આ મુકત કરાયેલા માછીમારોને વતન જવા વ્યવસ્થા કરાશે.

પાકિસ્તાન જેલમાંથી મુકત થયેલા ૨૦ માછીમારોમાં સુનીલ પીયારાજ લાલ, રાજુ વિનોદ, બચીલાલ રામસેવક, બાબુ પ્રિયારાજ, વિવેકરામ બંસલ, જયસીંગ ડોસાભા, દિનેશ રાજસીંઘ, ભાવેશ બાબુભાઇ, હરી ભીખાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મનુ વિરા, કરશન ખીમા, ભગત બાસુ, ભાવેશ ભીખા, નરેશ સીદી, કાના દેવા, ગોપાલ જીણા, અહમદ ડાડા, ભીખા માલા, ભરત હાજા, ધીરૂ કાળાને પાકિસ્તાન જેલમાંથી મુકત કરાશે. મુકત કરાયેલા મોટાભાગના માછીમારો પોરબંદર ઓખાથી ફિશીંગમાં ગયેલી બોટોમાં કામ કરતા માછીમારો છે. વાઘા બોર્ડરે ૨૦ માછીમારોને ભારત સરકારને સોંપ્યા બાદ ૨૦ માછીમારોને તેના વતન ગામોમાં રવાના કરાશે.

(12:49 pm IST)