સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th January 2022

રાજ્યમાં ૬૭,૬૦૦થી વધુ મેળાઓના આયોજન થકી ૨.૭૫ કરોડથી વધુ પશુ સારવાર આપવામાં આવી

પશુ સંવર્ધન ક્ષેત્રને રાજ્ય સરકાર દ્વારા અપાતુ વિશેષ મહત્વઃ રાજ્યમાં ૪,૫૯૫ કૃત્રિમ બીજદાન કેન્દ્રો કાર્યરત : કૃત્રિમ બીજદાનમાં ૨૭૫.૪૫ ટકા વધારો : ૪૬૦ મોબાઇલ પશુ દવાખાના દ્વારા અત્યાર સુધીમાં કુલ ૨૩ લાખથી વધુ પશુ સારવાર પુરી પાડવામાં આવી

ધ્રોલ-જામનગર,તા. ૨૦ : રાજયના પશુપાલકોને તેમના પશુઓ માટેની સારી ચિકિત્સા સેવા અને સંવર્ધન સેવાઓ મળી રહે તે માટે માળખાકીય સુવિધાઓ વધુ સારી તૈયાર કરવા માટે રાજય સરકાર કટીબદ્ઘ છે. જે અંતર્ગત આજે કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલે રાજયકક્ષાના પશુપાલન મંત્રીશ્રી દેવાભાઇ માલમની ઉપસ્થિતિમા વધુ ત્રણ અધ્યતન મકાનોના ઇ-લોકાર્પણ કર્યા હતા. અમદાવાદના મકરબા ખાતે પશુપાલન સંકુલ, સુરતના માંડવી ખાતે બુલ મધર ફાર્મ તેમજ સુરત ખાતે ઘનિષ્ઠ પશુ સુધારણા યોજનાના નવનિર્મિત મકાનના આજે ઇ-લોકાર્પણ મંત્રીશ્રીના કાર્યાલયમાંથી કરવામાં આવ્યા છે.

કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલે ઇ-લોકાર્પણ કરતા કહ્યુ કે, આજે લોકાર્પણ થયેલા સુવિધાસભર નવનિર્મિત મકાનોથી રાજયમાં પશુ ચિકિત્સા અને પશુ સંવર્ધન સેવાઓ વધુ સુદ્રઢ બનશે તેવો મને ચોક્કસ વિશ્વાસ છે. સુરત જીલ્લામાં રૂ.૨૩૧.૪૨ લાખના ખર્ચે તૈયાર કરાયેલ નવનિર્મિત મકાન ઙ્કદ્યનિષ્ઠ પશુ સુધારણા યોજના કચેરીઙ્ખનુ આજે ઈ-લોકાર્પણ થયું જેના થકી પશુઓમાં કૃત્રિમ બીજદાન અને જાતીય આરોગ્ય કેમ્પની અગત્યની કામગીરી થશે. તે ઉપરાંત સુરતના માંડવી ખાતે મહેસાણી ભેંસો માટે રૂ. ૮૦૭.૫૦ લાખના ખર્ચે તૈયાર થયેલ નવિન બુલ મધર ફાર્મનો મુખ્ય હેતુ રાજયના ટ્રાઇબલ વિસ્તારમાં પશુઓલાદ સુધારણાનો છે. જેમાં અંદાજે ૩૦૦ પશુઓનાં વૈજ્ઞાનિક ઢબે નિભાવ કરવામાં આવનાર છે. આ ઉપરાંત અમદાવાદના મકરબા ખાતે રૂ. ૧૩૦૨ લાખના ખર્ચે તૈયાર થયેલ પશુપાલન ભવન ખાતે ૧૦૦થી વધુ અધિકારી-કર્મચારીશ્રી માટેની બેઠક વ્યવસ્થા ઉપરાંત કોન્ફરન્સ હોલ (ડાઈનીંગ હોલ સાથે) વેકસીન કોલ્ડ સ્ટોરેજ તથા રેકર્ડ સાચવણી માટે કોમ્પેકટર સહિતની સુવિધા ઉભી કરવામા આવી છે.

મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, પશુપાલન એ કૃષિ સાથે જોડાયેલો અભિન્ન વ્યવસાય છે. રાજયના પશુપાલકોને મદદરૂપ થવા રાજય સરકારે અનેકવિધ યોજનાઓ, કાર્યક્રમો હાથ ધર્યા છે. વર્ષ ૨૦૦૨ થી શરૂ થયેલા પશુ આરોગ્ય મેળા અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં રાજયમાં કુલ ૬૭,૬૦૦ થી વધુ ૫શુ આરોગ્ય મેળાઓના આયોજન દ્વારા ૨.૭૫ કરોડથી વધુ નિઃશુલ્ક ૫શુ સારવાર આપવામાં આવી છે. રાજયમાં પશુ ચિકિત્સા સેવાઓનો વ્યાપ વધારવા છેલ્લાં પાંચ વર્ષમાં ૧૦ નવીન વેટરીનરી પોલીકલીનીકસ અને ૧ નવીન પશુ રોગ અન્વેષણ એકમ સ્થાપવામાં આવ્યા છે.

મંત્રીશ્રીએ કહ્યુ કે, પશુપાલકોને ગામબેઠાં પશુ સારવાર સેવાઓ મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા '૧૦ ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાના યોજના' હેઠળ કુલ ૪૫૦૦ થી વધુ ગામોને આવરી લઇ ૪૬૦ મોબાઇલ પશુદવાખાના કાર્યરત કરવામાં આવ્યા છે, આ ફરતાં પશુ દવાખાના દ્વારા અત્યાર સુધીમાં કુલ ૨૩ લાખથી વધુ પશુ સારવાર પુરી પાડવામાં આવી છે.

તેમણે ઉમેર્યુ કે, આકસ્મિક પશુ સારવાર તેમજ માલિક વિહોણા પશુઓની સારવાર માટે રાજય સરકાર દ્વારા કાર્યરત કરાયેલ કુલ ૩૭ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ મારફતે ઓકટોબર, ૨૦૧૭ થી અત્યાર સુધીમાં કુલ ૩.૭૦ લાખથી પણ વધુ પશુ-પક્ષીઓની સારવાર વિનામુલ્યે પૂરી પાડવામાં આવી છે.

તેમણે વધુમા ઉમેર્યુ કે, પશુ ચિકિત્સા સાથે પશુ સંવર્ધન ક્ષેત્રે પણ રાજય સરકાર દ્વારા અપાયેલ મહત્વને કારણે છેલ્લા પંદર વર્ષમાં રાજયમાં કુલ ૪,૫૯૫ કૃત્રિમ બીજદાન કેન્દ્રોની સ્થાપના થઇ છે તેમજ કૃત્રિમ બીજદાનની કામગીરીમાં ૨૭૫.૪૫ ટકા વધારો થયો છે. કૃત્રિમ બીજદાન સાથે જાતીય આરોગ્ય કેમ્પનાં આયોજન દ્વારા પશુઓના જાતીય રોગનાં નિરાકરણ લાવી પશુપાલન વ્યવસાયને નફાકારક બનાવવા માટે રાજય સરકાર પ્રયત્નશીલ છે. વર્ષ ૨૦૦૮-૦૯ થી વર્ષ ૨૦૨૦-૨૧ સુધીમાં ૩૨,૯૦૦ થી વધુ જાતીય આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

મંત્રીશ્રીએ કહ્યુ કે, પશુપાલકોના ગાભણ પશુઓની તંદુરસ્તી જળવાય રહે તેમજ ગર્ભમાં રહેલ બચ્ચાનો યોગ્ય વિકાસ થાય અને સારું દૂધ ઉત્પાદન મેળવી શકાય તે માટે રાજય સરકાર દ્રારા પશુપાલકોના ગાભણ પશુઓ માટે ખાણદાણ આપવાની સહાયકારી યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં કુલ રૂ. ૨૬ કરોડના ખર્ચે ૯૧,૬૦૦ થી વધુ પશુપાલકોને લાભ આપવામાં આવ્યો છે.

તેમણે ઉમેર્યુ કે, ખેડૂતોની આવક બમણી કરવાનો સંકલ્પ પરિપૂર્ણ કરવા તથા પશુપાલન વ્યવસાય થકી ગ્રામ્ય રોજગારીનું નિર્માણ થાય તે માટે પશુ ચિકિત્સા અને પશુ સંવર્ધનની સાથે પશુપાલકોને ઉચ્ચ કોટીના પશુઓના ઉછેર માટે પ્રોત્સાહન મળે તેમજ વૈજ્ઞાનિક અભિગમથી પશુપાલન વ્યવસાય માટે પ્રોત્સાહન મળે તે માટે રાજય સરકાર દ્વારા દૂધ ઉત્પાદન હરીફાઈ, પશુ પ્રદર્શન, જિલ્લા પશુપાલન શિબિર, તાલુકા પશુપાલન શિબિર, અશ્વ શો, પ્રેરણા પ્રવાસ અને તાલીમ તેમજ શ્રેષ્ઠ પશુપાલકોને પુરસ્કાર જેવા અનેકવિધ વિસ્તરણલક્ષી કાર્યક્રમો હાથ ધરાઈ રહ્યા છે. છેલ્લાં પાંચ વર્ષમાં રાજયમાં કુલ ૨,૮૨૭ શ્રેષ્ઠ પશુપાલકોને  રૂ. ૧ કરોડ ૮૯ લાખના પુરસ્કાર એનાયત કરવામાં આવેલ છે.

આ પ્રસંગે રાજયકક્ષાના પશુપાલન મંત્રીશ્રી દેવાભાઇ માલમ, કૃષિ વિભાગના સચિવ શ્રી મનિષ ભારદ્વાજ, પશુપાલન નિયામક શ્રી ફાલ્ગુનીબેન ઠાકર તેમજ પશુપાલન ખાતાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(12:51 pm IST)