સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th January 2022

સિંહોની રાજધાની 'ગીર અભયારણ્ય' માં રેલ્વેનું 'લેન્ડ ગ્રેબીંગ'?!

સેન્કચ્યુરી-નેશનલ પાર્કના નિયમોના સરેઆમ ભંગ કરી જંગલની લાખો ચોરસ ફુટ જમીન ઉપર માઇનીંગ માફીયાઓની પેશકદમી પછી હવે સરકારની ગેરકાયદે ઘૂસણખોરીની સ્થાનિકોમાં ચર્ચા : હયાત મીટરગેજ રેલ્વે લાઇન બ્રોડગેજમાં પરિવર્તીત કરવાની રેલ વિકાસ નિગમ-જુનાગઢની દરખાસ્તને પ્રાથમિક તબક્કે જ ફગાવી દેવાઇ છતાં સાસણ-કાંસિયાના ૧૪ કિ.મી. ટ્રેકની બંન્ને તરફ ૩૦ થી ૩પ મીટર અભયારણ્યની જમીન ઉપર વેસ્ટર્ન રેલ્વેના ખંભા (માર્કીંગ સ્ટોન) ખોડી દેવાયા !!

 ગીર સેન્કચ્યુરીમાંથી પસાર થતી સાસણ-કાંસિયા મીટર ગેજ રેલ્વેની ૧૪ કિ.મી. રેલ્વે લાઇનની બંન્ને તરફ રેલ્વે વિભાગ દ્વારા ગેરકાયદે ઘુસણખોરી કરી વેસ્ટર્ન રેલ્વેના માર્કીગ સ્ટોન ખોડી દેવાયા છે. જે તસ્વીરમાં નજરે પડે છે. સ્કેવર કરાયેલા માર્કીગ સ્ટોન અને રેલ્વે લાઇન વચ્ચે કેવડુ મોટુ અંતર છે તે સ્પષ્ટપણે  પ્રથમ તસ્વીરમાં જોઇ શકાય છે. બીજી તસ્વીરમાં પથ્થર પર લાલ કલર મારી કાળા અક્ષરે 'ડબલ્યુઆર' ચિત્રાયેલું નજરે પડે છે. નીચેની પ્રથમ તસ્વીરમાં જંગલ વિસ્તારમાંથી પસાર થતો સાસણ-કાંસિયા  રોડ પણ રેલ્વેએ કબ્જે કરી લીધાનું નજરે પડે છે.નીચેની બીજી તસ્વીરમાં કનકાઇની જુની ચેકપોસ્ટનો મોટો હિસ્સો પણ રેલ્વેના કબ્જામાં દર્શાવાયેલો નજરે પડે છે. ત્રીજી તસ્વીરમાં  ખુલ્લા ફાટક પરથી પસાર થયેલો રતનઘુના - પીલીપત માર્ગ પણ આખેઆખો રેલ્વેના કબ્જામાં દર્શાવાયેલો સ્પષ્ટ નજરે પડે છે.

રાજકોટ, તા., ૨૦: એશીયાટીક સિંહોની રાજધાની ગીર અભયારણ્યની લાખો ચોરસ મીટર જમીન ઉપર માઇનીંગ માફીયાઓ,  ખેડુતો, હોટેલ ઉદ્યોગોની ગેરકાયદે ઘૂસણખોરી બાદ હવે સરકાર (રેલ્વે) દ્વારા જ પેશકદમીની ફરીયાદો જાગૃત નાગરીકો અને પર્યાવરણવિદેમાં ઉઠતા  કચવાટ ફેલાયો છે. જુનાગઢ, વિસાવદર, ધારી, અમરેલીનો જંગલ વિસ્તાર સિંહો માટે હવે ટુંકો પડી રહયો છે ત્યારે રેલ્વે દ્વારા થઇ રહેલું આ કહેવાતું લેન્ડ ગ્રેબીંગ છે કે કેમ? તે તપાસનો વિષય બની ગયું છે.

રેલ વિકાસ નિગમ લીમીટેડ જુનાગઢ દ્વારા ગીર અભયારણ્યની જમીન ઉપર પસાર થઇ રહેલી હયાત મીટરગેજ લાઇનને બ્રોડગેજમાં કન્વર્ટ કરી ઇલેકટ્રીફીકેશનની  દરખાસ્તને મહિનાઓ  પહેલા પ્રાથમીક તબક્કે જ ફગાવી દેવામાં આવી હતી. આમ છતાં  રેલ્વે દ્વારા સાસણ-કાંસિયા વચ્ચેના ૧૪ કિલોમીટર મીટરગેજ રેલ્વે ટ્રેકની બંન્ને તરફ ૩૦ થી ૩પ મીટર જગ્યા કવર કરવા  વેસ્ટર્ન રેલ્વેના ખંભા (માર્કીંગ સ્ટોન) ખોડી દેવાતા આશ્ચર્ય ફેલાયું છે. જો કે અધિકારીઓ  આ જગ્યા બ્રિટીશ સમયથી રેલ્વેની જ હોવાનું જણાવે છે પરંતુ  વર્ષો બાદ  હમણાં હમણાં જ માર્કીંગ સ્ટોન દેખાતા લોકોમાં ગુંચવણ ઉભી થઇ છે.

ગેજ કન્વર્ઝન અને ઇલેકટ્રીફીકેશન માટે ગીર સેન્કચ્યુરીની ૧૪૮.૧૪ હેકટર જમીન એકવાયર કરવા  જે દરખાસ્ત થયેલી તેનો સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફના મેમ્બર ભુષણ પંડયા અને અન્ય સભ્યોએ પહેલા પગથીયે જ વિરોધ નોંધાવ્યો હતો. બાદમાં આ અંગે હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજી સંદર્ભે  થયેલી સુનાવણીમાં પણ રેલ્વે અને સરકારી વકીલ દ્વારા આ પ્રોજેકટ મુલત્વી રખાયાનું સ્વીકારાયું  હતું. આમ છતાં ગીર અભયારણ્યની લાખો સ્કેવર ફીટ જમીનનો સિંહોનો હક્ક છીનવવા  પાછળની હિલચાલ તો નથી ને? તેવો કટાક્ષ થઇ રહયો છે.

ફોરેસ્ટની ચેકપોસ્ટ અને જંગલ વિસ્તારમાંથી પસાર થઇ રહેલા આખે -આખો રસ્તાઓ ઉપર રેલ્વેનો કબ્જો દર્શાવી દેવાયો છે.  જેને લઇને આશ્ચર્ય ફેલાયું છે.

ઉલ્લેખનીય છે કે, ગેજ કન્વર્ઝન સિંહો માટે અત્યંત જોખમી હોવાનો વિરોધ પણ સૌ પ્રથમ 'અકિલા'એ દર્શાવવાની શરૂઆત કર્યા બાદ તંત્રએ  પીછેહઠ કરવી પડી હતી.

(12:51 pm IST)