સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th January 2022

વડાપ્રધાનની સુરક્ષામાં ચુક અને ઉત્તરપ્રદેશની ચૂંટણી ભાજપ માટે અસ્તિત્વનો જંગ

સાવરકુંડલા,તા. ૨૦: વડાપ્રધાનનો કાફલો પાકિસ્તાન બોર્ડર નજીક વીશ મીનીટ સુધી ટ્રાફિક અથવા તો ફ્લાઈઓવર પર ફસાઈ જાય અથવા તો ફસાવી દેવામાં આવે તો વડાપ્રધાનની સલામતી માટે કેટલુ ગંભીર કહેવાય. આ બાબતે સૌ પોતપોતાના અભિપ્રાય આપી રહ્યાં છે. જે આ વિશેના એકસપર્ટ છે તેઓ મૌન છે અને જેને કંઈજ ખબર નથી પડતી તેવા લોકો ગળુ ફાડી ફાડીને મોદીની સુરક્ષા મુદ્દે પ્રવચનો, ભાષણો વગેરે કરી રહ્યાં છે. પરંતુ ભાજપના જ એક મોટા નેતા ખાનગીમાં કહેતા હતા કે મોદી સાહેબ દેશના કે દૂનિયાના પ્રથમ એવા વડાપ્રધાન છે કે જેમના પર હુમલો નથી થયો છતા માંડ માંડ બચીને આવ્યા. વોટસએપ અને બીજા સોશિયલ મિડિયા પર પર ખુબ જોક ચાલી રહી છે. તો ભાજપના આઈટી સેલ દ્વારા મોદી સાહેબ જાણે કે મોતના મુખમાંથી માંડ માંડ બચીને આવ્યા હોય તે ટાઈપના લખાણો પોસ્ટ કરવામાં આવી રહ્યાં છે. કથાકાર મોરારીદાસ હરિયાણી જેવા મોદીફેન સાધુઓએતો જાહેર પત્ર લખી મોદીને બચી જવા માટે આશિર્વાદ આપી દીધા અને કદાચ ખાનગીમાં મોદીના લાંબા આયુષ માટે હવન પણ કરી દીધો હશે. પરંતુ મુળ વાત એ છે કે આપણા આ અદ્દભુત દેશમાં સીકયુરીટી લેપ્સ કેમ થયુ તેની કોઈ ચર્ચા નહી, કોણ ગુનેગાર છે, કોના કારણે વડાપ્રધાનની સલામતી જોખમાઈ તેના પર કોઈ પગલા નહી પરંતુ આખી ચર્ચા જ આડા પાટે ચડાવી દેવામાં આવી. મોદીને મારવાનુ કાવતરુ પંજાબ કોંગ્રેસ દ્વારા ધડવામાં આવ્યુ હતુ તેવી વાતો ફેલાવી દેવામાં આવી. જો આ હકિકત હોય તો તે પણ ખુબ ગંભીર બાબત ગણવી જોઈએ કે એક વડાપ્રધાનને જે તે રાજયના પ્રમુખ વગેરે જો સાચવે નહી અથવા તો તેના ફસાવી દેવાનો પ્રયાસ કરવામાં આવે તો તે લોકશાહી માટે ખુબ ગંભીર અને ખતરનાક ગણી શકાય.

ખેર, મોદી સાહેબ પછી વાત યોગીસાહેબની. ઉત્ત્।રપ્રદેશની ચૂંટણી ભાજપ માટે જાણે કે અસ્તીત્વનો જંગ બની ગઈ હોય તેવુ લાગી રહ્યું છે. જો કે આમ તો તમામ ચૂંટણીઓ ભાજપ માટે અસ્તીત્વનો જંગ હોય તેવો જ શોરબકોર અને પ્રચાર કરવામાં આવે છે. સફળતા મળે તો ચાણકય નહી તો સાવ મુંગી થઈ જવાનુ. બંગાળમાં પણ આવુ જ બન્યુ હતુ બહુ જોરશોરથી ચૂંટણી લડ્યા પરંતુ સફળતા ન મળી. પરંતુ ઉત્ત્।રપ્રેદેશ અલગ બાબત છે. અહિયા જીતવુ જ પડે. જો બે હજાર ચોવીસમાં દિલ્હીની ગાદી પર ફરી બેસવુ હોય તો યુપી જીતવી જ પડે. શરુઆતમાં યોગીબાબા સાવ કલીન સ્વીપ કરશે તેવુ લાગતુ હતુ. માયાવતી હજુ પણ ધરની બહાર નીકળ્યા નથી. અખિલેશ મોડે મોડે સાઈકલ પર સવાર થઈ નીકળ્યો પરંતુ તેના અને મિડિયાના આશ્ય્રય વચ્ચે તેને જબ્બર પ્રતિસાદ સાંપડી રહ્યો છે. જો કે યોગીજીની સભામાં પણ લાખો લોકોની મેદની એકઠી થઈ રહી છે. પરંતુ મોદી-યોગી અને અમિત શાહની સામે અખિલેશ ટક્કર આપી રહ્યો છે. મોદીની જૂની સ્ટાઈલ આ વખતે તેમણે અપનાવી છે. બધા જ નાના પક્ષોને પોતાની સાથે રાખવા, જ્ઞાતીનુ ગણીતમાં ખોટો સરવાળો ન કરવો વગેરે પર ધ્યાન આપી રહ્યાં છે. તો સામે પક્ષે યોગીએ માત્ર એક જ વાકયમાં આખી ચૂંટણીનુ ગણીત ઉંધુ વાળી દીધુ. યોગીબાબાએ કહ્યું કે આ ચૂંટણી તો એંસી ટકા વિરુધ્ધ વીશ ટકાની છે. ખલ્લાસ, વાત પતી ગઈ. કોંગ્રેસ અને સપા , બસપા વગેરેએ દેકારો કરી મુકયો કે આ તો ખુલ્લંમ ખુલ્લા હિન્દુ-મુસ્લીમ ધૃવિકરણ પર ચૂંટણી થઈ રહી છે પરંતુ ચૂંટણીમાં યુધ્ધની જેમ બધુ જ ચાલતુ હોવાથી યોગીની વાત પર ચૂંટણી પંચ ખાસ ધ્યાન આપે તેવુ લાગતુ નથી અને એંસી ટકા વિરુદ્ઘ વીશ ટકાની વાત જોરશોરથી ભાજપ ફેલાવી રહી છે. (૨૨.૨૯)

: સંકલનઃ

મહેન્દ્ર બગડા

સાવરકુંડલા

મો. ૯૫૧૦૨ ૨૭૯૦૯

(1:13 pm IST)