પોરબંદરના કુછડીમાં ગેરકાયદે ધમધમતી ખનીજ ખાણ ઉપર દરોડો : ૧૪ કટર મશીનો સહિત અર્ધા કરોડનો મુદ્દામાલ ‘‘સીઝ''
(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. ર૦ : નજીકના કુછડીમાં ગેરકાયદે ખનીજ ખાણ ઉપર ગ્રામ્ય મામલતદાર અને ખાણખનીજ ખાતાની ટીમે દરોડો પાડીને ૧૪ કટર મશીનો સહિત અર્ધા કરોડનો મુદ્દામાલ ‘‘સીઝ'' કરીને કાર્યવાહી હાથ ધરી છે.
કુછડીમાં ગ્રામ્ય મામલતદાર તથા ખાણખનીજ ખાતાની ટીમે કુછડી ગામે ખનીજ ચોરી અંગે દરોડો પાડીને તપાસ હાથ ધરી હતી. જેમાં સરકારી પડતર જગ્યા ઉપર બિલ્ડીંગ લાઇમ સ્ટોન ખનીજનું ગેરકાયદેસર ખનન ચાલુ હોવાની માહિતી બહાર આવી હતી. તપાસ કરનારી ટીમે ત્યાં પવનચકકી નજીકના વિસ્તારમાં દરોડો પાડીને ૧૪ જેટલા પથ્થર કટીંગ મશીન (ચકરડી), પાંચ જનરેટર, ત્રણ ટ્રેકટર, એક હિટાચી મશીન તથા એક ટ્રોલી સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ખાણખનીજ ખાતાથી જણાવ્યા મુજબ ખાણ માપણીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને કેટલા કરોડ રૂપિયાની ખનીજ ચોરી થઇ છે ? તે અંગેની સાચી માહિતી બહાર આવે પછી જે તે જવાબદાર શખ્સો સામે નોટીસ સહિત ખનીજ ચોરીની ફરીયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે