સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 20th January 2023

વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી-વડીયા-કુંકાવાવના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને વડીયા તાલુકાના ગામોમાં લોક દરબાર યોજાયો

ગ્રામ્ય સ્તરે સ્થાનિક પ્રશ્નો અને મુદ્દાઓને લઈ સંબંધિત અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા: 'સ્થાનિક પ્રશ્નોને લઈ સ્થળ પર જ પ્રશ્નોનું નિરાકરણ' લાવવાનો અભિગમ

અમરેલી:વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી - વડીયા - કુંકાવાવ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાએ જિલ્લાના વડીયા તાલુકાના ખજૂરી, ખજૂરી પીપળીયા, મેઘા પીપળીયા, તરઘરી સહિતના વિવિધ ગામે સ્થાનિક પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવાના ઉમદા ઉદ્દેશ સાથે લોક દરબારનું આયોજન કર્યુ હતુ. વિવિધ પડતર પ્રશ્નો અને મુદ્દાઓને લઈ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાએ સંબંધિત અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી, પ્રશ્નોના નિવારણ માટે શું કરી શકાય તે માટે આયોજન કરવા સૂચના આપી હતી.

આ ઉપરાંત સ્થાનિક સમસ્યાઓનું નિરાકરણ વધુમાં વધુ ઝડપે અને સારી રીતે આવી શકે તેવા હકારાત્મક અભિગમ સાથે કામગીરી કરવા તેમણે સંબંધિત અધિકારીઓને સૂચન આપી ગ્રામજનોને આ કામગીરીમાં સહકાર આપવા અનુરોધ કર્યો હતો. રાજ્ય સરકાર ગામડાઓના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિકાસને ધ્યાને રાખી નીતિ નિર્ણયોનું ઘડતર કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ગામડાઓ વિકાસની ગતિ સાથે તાલ મિલાવી આગળ આવે તેવા અભિગમ સાથે સૌ સાથે મળી વધુ સારી રીતે કામગીરી કરવામાં આવે તે જિલ્લાના વિવિધ વિસ્તારની પ્રગતિ માટે આવશ્યક છે.

(11:08 pm IST)