સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th February 2021

કાલે ભાવનગર કોર્પોરેશનનો ચૂંટણી જંગ : ૨૧૧ ઉમેદવારો મેદાનમાં

૧૩ વોર્ડમાં ૫૨ બેઠક માટે મતદાન થશે : મંગળવારે મતગણતરી : ચુસ્ત પોલીસ બંદોબસ્ત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૨૦ : કાલે ભાવનગર કોર્પોરેશનની ચૂંટણી માટે મતદાન થશે. જેમાં ૧૩ વોર્ડની બાવન બેઠકો ઉપર મતદાન થશે. જેમાં ૨૧૧ ઉમેદવારો મેદાનમાં છે. આ ચૂંટણીમાં ભાજપના બાવન, કોંગ્રેસના ૫૧, 'આપ'ના ૩૯ અને અન્ય ૬૯ ઉમેદવારોનો સમાવેશ થાય છે. કાલે ચૂંટણી બાદ મંગળવારે મતગણતરી થશે. ચૂંટણીને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને તંત્ર પણ સજ્જ થઇ ગયું છે. ભાવનગર મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી-૨૦૨૧ અંતર્ગત મતદાન યોજાનાર છે. જે ચૂંટણી શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તેમજ મતદારોને મતદાન કરવા અંગે કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પુર્ણ કરવામાં આવેલ છે. જે અંતર્ગત મહાનગરપાલિકાની ચૂંટણી માટેના ૪૬૯ મતદાન મથકો પર અંદાજે ૩,૦૦૦ જેટલા લાયકાત મુજબના પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર તથા દરેક મતદાન મથકો પર મહિલા પોલીંગ ઓફિસરની તથા પટાવાળાને લાયકાત અનુસારની વિવિધ ફરજો સોંપી તાલીમબઘ્ઘ કરવામાં આવેલ છે. આ તાલીમ દરમિયાન કર્મચારીઓ તથા અધિકારીઓની કુશળતા અને અનુભવને ધ્યાને લઇ તે મુજબની ચૂંટણી ફરજો સોંપવામાં આવેલ છે. મહાનગરપાલિકાના ચૂંટણી મતદાન અંગેની સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સુચારૂ સંચાલન કરવા માટે તંત્ર દ્વારા ૫૮ ઝોનલ રૂટ બનાવી તે ઝોનલ રૂટમાં ગેઝેટેડ ઓફીસરોની નિમણૂંક કરવામાં આવેલ છે.

મતદાનના દિવસે કોવીડ – ૧૯ અંતર્ગત સરકારશ્રીની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન થાય તેમજ કોઈ સ્ટાફ કે મતદાર કોવીડ – ૧૯ થી સંક્રમિત ન થાય તેની પુરતી તકેદારી માટે ૪૮૬ આરોગ્ય કર્મીઓની નિમણૂંક કરવામાં આવેલ છે. દરેક મતદાન મથકો પર થર્મલગન, ફેસશીલ્ડ, થ્રી-લેયર માસ્ક, હેન્ડ ગ્લોઝ, લીકવીડ સોપ, સેનેટાઈઝર સ્પ્રે વગેરે જેવા આરોગ્યલક્ષી સાધનો ઉપલબ્ધ કરવામાં આવનાર છે તેમજ સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા માટે ચોકકસ અંતરે સર્કલ વગેરે નિશાનીઓ કરવાનું પણ આયોજન કરવામા આવેલ છે.મતદાન શાંતિમય વાતાવરણમાં યોજાય અને કોઈ અનિશ્ચિત બનાવ બનવા પામે નહીં તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રીના પરામર્શમાં દરેક મતદાન મથક પર સુનિશ્યિત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. જયારે સંવેદનશીલ મતદાન મથકોની સંવેદનશીલતા ધ્યાને લઇ સિનિયર પોલીસ અધિકારી સાથે અલાયદો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. તધ્ઉપરાંત મતદાન મથકની બહાર અને જાહેર જગ્યાએ સતત પોલીસ પેટ્રોલિંગ શરૂ રાખવા કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવાની વ્યવસ્થા કરવામા આવેલ છે.

(11:27 am IST)